Surendranagar: ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામના સરપંચની વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી, નર્મદા કેનાલમાં પાણી આપવા માગ
પીવાના પાણીની સમસ્યાથી કંટાળેલા લીયા, કાત્રોડી, રાવળીયાવદર, રાઈગઢ, વેળાવદર, રૂપાવટી, ખોડુ, નારીચણા, ગુજરવદી સહિતના ગામોના સરપંચે એક બેઠક યોજી હતી. જેમાં તમામ ગામના સરપંચોએ ચીમકી ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગર (Surendranagar)ના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના 18 ગામોમાં લોકો પીવાનું પાણી (Drinking water) ન મળતા હાલાકી ભોગવી રહ્યા છે. પાણી ન મળતુ હોવાથી રોષે ભરાયેલા લોકોએ અને ગામના સરપંચોએ રામપરા ગામમાં એક બેઠક યોજી હતી. જેમાં તમામ 18 ગામના લોકોએ વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી યોજાવાની છે. નેતાઓ દર ચૂંટણીમાં પ્રજાને સુવિધાઓના વચન આપતા હોય છે અને જેના આધારે નેતાઓ ચૂંટણી પણ જીતતા હોય છે. જો કે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામના લોકોએ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મત નહીં આપવાનું મન બનાવી લીધુ છે.
છેલ્લા ઘણા સમયથી આ 18 ગામના લોકો પીવાના પાણી ન મળતુ હોવાથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે આ ગામોની જનતામાં રોષ ફેલાયેલો છે. ગામ લોકોનો આરોપ છે કે હાલ તેમને જે પાણી મળી રહ્યું છે તે ખારુ છે. જેના કારણે ખેતરમાં તેઓ પાક નથી લઈ શકતા અને ગુજરાન ચલાવવા માટે અન્ય જિલ્લાઓમાં નોકરી માટે સ્થળાંતર કરવું પડી રહ્યું છે. જેથી લોકોએ નર્મદા કેનાલમાં પાણી આપવા માગ કરી છે.
પીવાના પાણીની સમસ્યાથી કંટાળેલા લીયા, કાત્રોડી, રાવળીયાવદર, રાઈગઢ, વેળાવદર, રૂપાવટી, ખોડુ, નારીચણા, ગુજરવદી સહિતના ગામોના સરપંચે એક બેઠક યોજી હતી. જેમાં તમામ ગામના સરપંચોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને નર્મદાનું પાણી નહીં મળે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે.
આ પણ વાંચો- કોરોના મૃતકોને સહાય મુદ્દે સુપ્રિમ કોર્ટ ગુજરાત સરકાર પર નારાજ, લોકોને પડતી અગવડતા દૂર કરવા ટકોર
આ પણ વાંચો- Gujarat માં શહેરી વિકાસને વેગ મળશે, ચાર મહાનગરોના વિકાસ માટે 253 કરોડની ફાળવણી