Breaking News : નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ, પાણી પુરવઠો ખોરંભાયો
નવસારી મહાનગરપાલિકાના 600થી વધુ કર્મચારીઓ પગાર વધારા અને કાયમીકરણની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. વોટર વર્ક્સ અને સેનેટરી વિભાગ સહિતના કર્મચારીઓની હડતાળને કારણે શહેરમાં પાણી પુરવઠો અને સફાઈ સેવાઓ ખોરંભાઈ છે.
નવસારી મહાનગરપાલિકામાં તમામ વિભાગના 600થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરી આવ્યા છે, જેના કારણે શહેરમાં નાગરિક સુવિધાઓ પર ગંભીર અસર પડી છે. વોટર વર્ક્સ, માઇનોર, સેનેટરી, દબાણ અને ફાયર વિભાગ સહિતના મહત્વના વિભાગોના કર્મચારીઓનો સમાવેશ આ હડતાળમાં થયો છે. તહેવારો દરમિયાન પણ પગાર ન થવાને કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોર્પોરેશન બન્યા બાદ કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો ન થતા તેઓ નારાજ છે. મહાનગરપાલિકાના મહત્વના વિભાગોમાં કર્મચારીઓની હડતાળને કારણે અનેક કામ ખોરંભે ચડ્યા છે. વોટર વર્ક્સ વિભાગના અંદાજે 70 કર્મચારીઓ હડતાળ પર ઉતરતા શહેરમાં પાણીનો પુરવઠો બંધ થઈ ગયો છે. આ ઉપરાંત, 300થી વધુ સફાઈકર્મીઓ પણ હડતાળમાં જોડાતા સફાઈનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં કાયમીકરણ અને પગાર વધારો સામેલ છે. તેઓએ કલેક્ટર, કમિશનર અને ખાતાના વડાઓને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. વિજલપુર નગરપાલિકા હતી ત્યારથી જ કર્મચારીઓ આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી નવસારી મહાનગરપાલિકા બન્યા પછી પણ તેમની માંગણીઓ સંતોષાઈ નથી. આળસુ વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિઓના કારણે કર્મચારીઓ અને શહેરીજનો બંને મુશ્કેલીમાં મુકાયા છે.
જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો, વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ
