નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યાં ઠેર ઠેર લોકો માતાજીની આરાધના સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે રાજકોટના રાજ પેલેસમાં પણ ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે. અહીં ક્ષત્રિય મહિલાઓએ રાજ પેલેસમાં તલવાર રાસનું આયોજન કર્યું છે.
શક્તિરુપેણ જગતજનની માતાની શ્રદ્ધા અને આસ્થાની સાથે ક્ષત્રાણિયો તલવાર સાથે ગરબે ઘૂમતા નજરે પડ્યાં છે. તો ઘોડા, કાર અને બુલેટ સહિતના ટુ-વ્હીલર પર પણ ક્ષત્રાણિયોએ તલવાર સાથેના કરતબ કરતા જોવા મળ્યા છે. આવનારી પેઢીને સંસ્કૃતિ અને પરંપરા સાથે પરિચિત કરાવવાના ઉદેશ્ય સાથે આ પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ભવ્ય ગરબામાં મા ભગવતીની આરાધના પણ કરવામાં આવી હતી.
બીજી તરફ જામનગરના રણજીતનગર વિસ્તારમાં પટેલ ગરબી મંડળમાં મશાલ રાસ રમવામાં આવે છે. સળગતા અંગારા વચ્ચે સળગતી મશાલ સાથે યુવાનો એક તાલે રાસ રમ્યા હતા. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. મશાલ રાસ દરમિયાન ખૈલેયાઓ સળગતા અંગારા ઉપર ખુલ્લા પગે રાસ રમે છે. જે જોઈને લોકો દંગ રહી જાય છે.