વડનગરથી વિશ્વમંચ સુધી: PM નરેન્દ્ર મોદીની અદભૂત યાત્રા, જેણે ભારતનું ગૌરવ વધાર્યું – જુઓ Video
નાનકડા વડનગરથી શરૂ થયેલી પીએમ નરેન્દ્ર મોદીની સફર આજે વિશ્વ મંચ પર દમદાર છાપ મૂકી રહી છે. પોતાના પ્રારંભિક દિવસોથી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ સુધીની તેમની અનોખી યાત્રા લોકો માટે પ્રેરણાદાયક બની છે.
‘વડનગર’ ઉત્તર ગુજરાતનું એક નાનકડું, શાંત અને ઐતિહાસિક ગામ, જે આજે સમગ્ર દેશમાં એક વિશેષ ઓળખ બની ગયું છે. વડનગરનું નામ સાંભળતાં તરત જ સૌના મનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિચાર આવે છે. નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 1950 ના રોજ જન્મ્યા. તેઓ દામોદરદાસ મોદી અને હીરાબેન મોદીના ત્રીજા સંતાન હતા. તેમના બાળપણની શરૂઆત ખૂબ જ ગરીબીમાં થઈ હતી. નરેન્દ્ર મોદીના પિતાની નાની ચાની દુકાન હતી અને તેઓ ત્યાં તેમના પિતાની મદદ કરતા હતા.
માત્ર 17 વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીએ ઘર છોડી દેશભ્રમણ કરવાનો નિર્ણય લીધો. ક્યારેક હિમાલયનો આશ્રય લીધો તો ક્યારેક આશ્રમોમાં સેવા કરી. તેમણે રાષ્ટ્રસેવક સંઘ સાથે જોડાઈને દેશભરના પ્રવાસો કરી લોકો સાથે સીધી મુલાકાત કરી. યુવાવસ્થામાં સંઘના કાર્યકર તરીકે દેશભરના પ્રવાસો કરીને લોકો સાથે સીધો સંપર્ક વધાર્યો.
ગુજરાતના મુખ્યમંત્રી ક્યારે બન્યા?
વર્ષ 2001માં, નરેન્દ્ર મોદીને પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેમના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી દિશા લીધી. તેમના કાર્યકાળમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી. વાયબ્રંટ ગુજરાત અંતર્ગત રાજ્યમાં રોકાણકારો આવ્યા અને રોજગારના નવા અવસર ઉભા થયા.
શું શું બદલાવ જોવા મળ્યા?
વર્ષ 2001 થી 2013 સુધી, નરેન્દ્ર મોદીએ શ્રેષ્ઠ પ્રશાસક તરીકે પોતાનું આગવું સ્થાન બનાવ્યું. વર્ષ 2014માં ભારતને એવા નેતાની જરૂર હતી કે, જે ભ્રષ્ટાચાર અને કટ્ટરવાદથી છૂટકારો અપાવે. એવામાં ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવ્યો અને તેઓ ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને ત્યારથી જ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છતા અભિયાન થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી મજબૂત કરવાના પ્રયાસો પીએમ મોદી સતત કરી રહ્યા છે.
યુનાઇટેડ નેશન્સ (UN) થી લઈને G20 સમિટ સુધી પીએમ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો. આજે તેઓ માત્ર ભારતના નહીં પણ વૈશ્વિક રાજકારણના કેન્દ્રસ્થાને છે. પીએમ નરેન્દ્ર મોદીની જીવનયાત્રા એ સાબિત કરે છે કે, સપના કેટલા પણ મોટા કેમ ન હોય, હિંમત અને મહેનત હોય તો એ ચોક્કસથી સાકાર થઈ શકે છે.
