Jamnagar: સરકારી વિભાગમાં એકાદ કાગળ કે ફાઈલ ગુમ થયા હોવાનું કયારેક બની શકે, પરંતુ આ વિભાગનો વર્ષો જુનો રેકોર્ડ સાથે રૂમનો તમામ સામાન જ ગુમ થયો હોય તેવી ઘટના સામે આવી છે. જામનગર જીલ્લા પંચાયતની ઈલેક્ટ્રીક શાખામાંથી વર્ષો જુના રેકોર્ડ ગુમ થયા છે. 2015થી 2023 સુધીની તમામ સરકારી રેકોર્ડ રજીસ્ટ્રર અને ફાઈલો તમામ વસ્તુઓ ગુમ થઈ છે. જેમાં અંદાજે કુલ 24 હજાર ફાઈલો હતી. જીલ્લા પંચાયતના ઈલેક્ટ્રીક શાખામાં રાખવામાં આવેલ સામાન કેવી રીતે અને શા માટે ગુમ થયો તે અંગે અનેક સવાલ સામે આવી રહ્યા છે.
જીલ્લા પંચાયતમાં સીસીટીવી કેમેરા તેમજ ચોકીદાર હોવા છતા આટલા મોટા પ્રમાણમાં સામાન કોઈ કેવી રીતે લઈ જઈ શકે. મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા અધિકારીઓ દ્વારા કોઈ રેકોર્ડ તપાસતા સામે આવ્યુ કે તમામ રેકોર્ડ ગુમ થયા છે. ત્યારે ઉચ્ચ અધિકારીને જાણ કરી. જે બાદ આ સમગ્ર બનાવ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ગુમ થયેલા રેકોર્ડમાં NOC, મંજુરી, ઓડીટ, બીલ, રોજકામ, યોજનાની ફાઈલો સહીતની વિગતોનો સમાવેશ થાય છે. આશરે 24 હજારથી વધુ સરકારી ફાઈલો રેકોર્ડરૂમથી બહાર કેવી રીતે અને ક્યા પહોંચી તે સવાલો ઉઠ્યા છે, જે પોલીસ તપાસ બાદ કારણ સામે આવશે.
ઈલેકટ્રીક શાખામાં આશરે બે મહિના પહેલા વાયરમેન તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને સસ્પેન્ડ કરાયો હતો. જેને ઈલેકટ્રીકલ તરીકેની કામગીરી સોપી હતી. અધિકારીઓની જાણ બહાર તેમની સહી કરીને ગામડાઓમા લાઈટો સહીત કેટલીક કામગીરીના NOC તૈયાર કર્યા હતા. જે ઉચ્ચ અધિકારીની ખોટી સહી કરી હોવાનુ ખુલતા તેની સામે પગલા લેવાયા હતા. તેની તપાસમાં જ રેકોર્ડ ચકાસણી ચાલતી હતી. ત્યારે ખુલ્યુ કે બે માસથી રેકોર્ડ જ ગુમ થઈ ગયા છે. ચોકીદારે પણ વાયરમેન દ્રારા ટ્રેકટરભરીને રેકોર્ડ લઈ જવાયા હોવાનુ જણાવ્યુ હતું. અધિકારી દ્રારા ચોકીદારના નિવેદન પરથી પોલીસને લેખીત ફરીયાદ કરી છે. પોલીસની તપાસ બાદ જ સાચુ કારણ બહાર આવશે.
જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:50 pm, Mon, 29 May 23