Navsari Flood : નવસારી શહેરમાં પૂર્ણા નદીનું પૂર, રસ્તાઓએ લીધી જળસમાધિ, હજારો લોકોનું સ્થળાંતર, જુઓ Video

|

Jul 26, 2024 | 7:27 PM

નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. જેના પરિણામે નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત 2200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.

રાજ્યભરમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચી છે. જેને ધ્યાને લઈ છેલ્લા બે દિવસમાં કુલ 14,552 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે, જેમાં સુરત જિલ્લામાં 3,707 નાગરિકો, નવસારીમાં 2,979, વડોદરામાં 1,877, પોરબંદરમાં 1,560 જુનાગઢમાં 1,365, ભરૂચમાં 1,017, તાપીમાં 918, આણંદમાં 604, દેવભુમિ દ્વારકામાં 304, વલસાડમાં 150, પંચમહાલમાં 56 જ્યારે નર્મદા જિલ્લામાં 17 નાગરિકોને સ્થળાંતરીત કરાયા.

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત આશ્રિતોના વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત આશ્રિતો ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સુવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગતરાત્રીએ સુરતના મહુવા તાલુકામાં બે કલાકમાં સાડા 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી. પૂર્ણા નદીમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં પ્રસાશન દ્વારા તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું હતું. જેમાં મહુવા તાલુકાના મહુવા, રાણત, બુધલેશ્વર અને મિયાપુર ગામમાંથી કુલ 171 લોકોની પ્રાથમિક શાળા અને શોપિંગ સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 70 થી વધુ રસ્તાઓ બંધ થયા છે. જિલ્લાની પૂર્ણા ઉપરાંત કાવેરી અને અંબિકા ના જળસ્તરમાં પણ વધારો થયો છે. જિલ્લા તંત્ર સ્થળાંતર કરવા માટે કામે લાગ્યું. મહત્વનું છે કે 10 શાળાઓમાં સ્થળાંતરિત લોકોને રાખવામાં આવ્યા.

Next Video