Monsoon 2022: બે દિવસ ભારે વરસાદની આગાહી, રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

|

Aug 15, 2022 | 2:25 PM

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર વહેલી સવારથી કેટલાક વિસ્તારમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. દાહોદના લીમડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની બે દિવસની ભારે વરસાદની આગાહીના પગલે વહીવટ તંત્ર સતર્ક બન્યુ છે.

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે મેઘરાજા (Monsoon 2022) મન મૂકીને વરસ્યા છે. અત્યારસુધી સીઝનનો 84.26 ટકા વરસાદ (Rain) નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી (Gujarat Rain) માહોલ જામ્યો છે. ત્યારે હવે આજે અને કાલે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે બે દિવસ એટલે કે આજે અને કાલે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ (Meteorological Department) ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

15 અને 16 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરની અસરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવાઇ રહી છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના મતે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. અરબી સમુદ્રમાં દબાણ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા છે.

આગાહી મુજબ વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. દાહોદના લીમડી, કારઠ, દેપાડા, કચુંબર,સીમળખેડી, દમેળા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની બે દિવસની ભારે વરસાદની આગાહીના પગલે વહીવટ તંત્ર સતર્ક બન્યુ છે. બીજી તરફ સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માંગરોળનાં ભડકુવા ગામે એગ્રીકલ્ચર લાઈનનાં 2 વીજપોલ ધરાશાયી થયા છે. વીજતાર પર ઝાડ પડતાં વીજપોલ તૂટી ગયા હતા. જો કે વીજપ્રવાહ બંધ હોવાથી દુર્ઘટના ટળી હતી. નવસારી શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી નવસારી જલાલપુર ચીખલી ખેરગામ અને વાંસદા તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

Next Video