“ટેક્સ ઉઘરાવો છો તો સુવિધા ક્યાં?”, 565 ફ્લેટના રહિશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ

| Edited By: | Updated on: Apr 12, 2026 | 8:53 PM

લાખોનો ટેક્સ ભરવા છતાં સુવિધાના નામે મીંડું! મોડાસાના પાવન સિટીમાં ગટર અને રસ્તાના મુદ્દે રહીશો લાલઘૂમ, નેતાઓની વધી ચિંતા. નેતાઓ દોડતા થયા

અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો તેજ થયો છે, પણ આ વખતે ગરમાવો પ્રચારનો નહીં પણ જનતાના આક્રોશનો છે. મોડાસાના પાવન સિટી વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર જાહેર કરી દીધો છે. વર્ષોથી વણઉકેલાયેલી સમસ્યાઓને કારણે હવે મતદારોનો પિત્તો ગયો છે.

લાખોનો ટેક્સ અને પાયાની સુવિધાઓનો દુકાળ

પાવન સિટીમાં અંદાજે 565 જેટલા ફ્લેટ આવેલા છે, જ્યાં 3 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે તેઓ દર વર્ષે નગરપાલિકાને લાખો રૂપિયા ટેક્સ પેટે ચૂકવે છે, પરંતુ બદલામાં તેમને ગટર, રસ્તા, સફાઈ, પાણી કે સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ પણ મળતી નથી. વારંવારની રજૂઆતો છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી, જેથી હવે લોકોએ ‘વોટ’ના શસ્ત્રથી જવાબ આપવાનું નક્કી કર્યું છે.

રાજકીય પક્ષોની ઉડી ઉંઘ

ચૂંટણી સમયે ખોબલે ને ખોબલે મત માંગવા આવતા નેતાઓ માટે અત્યારે પાવન સિટીમાં પ્રવેશવો મુશ્કેલ બન્યો છે. 3 હજાર લોકોનો સામૂહિક બહિષ્કાર કોઈ પણ પક્ષ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે, જેને લઈને હવે રાજકીય પક્ષોના આગેવાનો ચિંતામાં મૂકાયા છે. લોકોનું કહેવું છે કે, “જ્યારે ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ દેખાય છે, પણ અમારી ગંદકી અને ખરાબ રસ્તાઓની સમસ્યા જોવા કોઈ આવતું નથી.”

હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર અને રાજકીય નેતાઓ રહીશોને મનાવવામાં સફળ રહે છે કે પછી પાવન સિટીના રસ્તાઓ ચૂંટણીના દિવસે સુમસામ રહેશે.

(ઈનપુટ ક્રેડિટ: અવનિશ ગોસ્વામી)

વસ્ત્રાલમાં ચૂંટણીનો ગરમાવો નહીં પણ રોષ: “કામ નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે રહીશો મેદાને, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી લોકો લાલઘૂમ

Published on: Apr 12, 2026 08:47 PM
Follow Us