એક્સપાયરી ડેટની દવાઓ મળી હોવાનો જીવદયા પ્રેમીઓનો દાવો, અધિકારીઓએ ફગાવ્યા આક્ષેપો
મહેસાણાના સરકારી પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો ઉપયોગ થતો હોવાના આક્ષેપ સાથે જીવદયા પ્રેમીઓએ પોલીસ મથકે જાણવાજોગ અરજી કરી છે. બીજી તરફ, પશુપાલન અધિકારીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢીને સરકારી કામગીરીમાં દખલગીરી અને કર્મચારીઓને હેરાન કરવાનો વળતો આક્ષેપ કર્યો છે.
મહેસાણાના સરકારી પશુ દવાખાનામાં એક્સપાયરી ડેટની દવાઓ રાખવામાં આવતી હોવાનો ગંભીર વિવાદ સામે આવ્યો છે. જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યો છે કે દવાખાનામાંથી 7 થી 8 એક્સપાયરી દવાઓની બોટલ મળી આવી છે અને મુખ્ય પશુપાલન અધિકારી આ મામલે ગેરરીતિ આચરી રહ્યા છે. આ મામલે જીવદયા પ્રેમીઓએ પોલીસ મથકે જાણવાજોગ અરજી પણ નોંધાવી છે.
અધિકારીનો ખુલાસો અને વળતો પ્રહાર
બીજી તરફ, મુખ્ય પશુપાલન અધિકારી ડો. સોનલ ચૌધરીએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે સરકારી દવાખાનામાં ક્યારેય એક્સપાયરી દવાનો ઉપયોગ થતો નથી. તંત્રનો આક્ષેપ છે કે જીવદયા પ્રેમીઓ કોઈપણ પરવાનગી વગર દવાખાનામાં ઘૂસી જઈ સરકારી કામગીરીમાં દખલ પહોંચાડી રહ્યા છે અને કર્મચારીઓને હેરાન કરી રહ્યા છે.
હાલ આ સમગ્ર મામલો પોલીસ અને વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ સ્તરેથી થનારી તપાસમાં શું સત્ય બહાર આવે છે અને કોની સામે કાર્યવાહી કરવામાં આવે છે.