Mehsana: પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનું નિવેદન, વિપુલ ચૌધરીને ફરી ગૃહમંત્રી બનાવવા ઈચ્છુ છુ
Mehsana: પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનથી ઉત્તર ગુજરાતની રાજનીતિમાં હડકંપ આવી ગયો છે. અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્ઘટાન પ્રસંગે ભરતસિંહ ડાભીએ નિવેદન આપ્યુ કે વિપુલ ચૌધરીને ફરી સક્રિય રાજકારણમાં લાવવાના છે અને તેમને ફરી ગૃહમંત્રી બનાવવા છે.
ઉત્તર ગુજરાતની રાજનીતિ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પાટણના સાંસદે વિપુલ ચૌધરી (Vipul Chaudhari)નું સમર્થન કર્યુ છે. મહેસાણા(Mehsana)ના ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં પાટણથી ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી (Bharatsinh Dabhi) પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ચોંકાવનારુ નિવેદન આપ્યુ હતુ. ભરતસિંહ ડાભીએ જણાવ્યુ કે બધા એક્ઠા થઈ વિપુલ ચૌધરીને ફરી રાજકારણમાં લાવીએ અને વિપુલ ચૌધરીને ફરી ગૃહમંત્રી બનાવીએ. આ પ્રકારનું નિવેદન સાંસદ ભરતસિંહ ડાભીએ જાહેર મંચ પરથી કર્યુ હતુ. હાલ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિપુલ ચૌધરી પણ ફરી રાજકારણમાં સક્રિય થવા માટે તેમની રાજકીય જમીન સેટ કરી રહ્યા છે આ નિવેદનને ઘણુ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યુ છે.
વિપુલ ચૌધરીને ગૃહમંત્રી બનાવવા ઈચ્છુ છુ- ભરતસિંહ ડાભી
ભરતસિંહ ડાભીએ જણાવ્યુ કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપણે ખભે ખભો મિલાવી આગળ વધીએ તેમ જણાવ્યુ. આ સાથે તેમણે જણાવ્યુ કે વિપુલભાઈને ફરી રાજકારણમાં સક્રિય બનાવીએ અને રાજ્યમાં ગૃહમંત્રીનું ખાતુ જે હતુ એ ખાતુ અપાવીએ. કહેવાય છે કે રાજનીતિમાં કોઈ ચીજ અમસ્તી નથી હોતી. ત્યારે ભરતસિંહનું આ નિવેદન પણ આમ જ મજાકમાં કરાયેલુ નિવેદન નથી. ચૂંટણીઓને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સાંસદ દ્વારા આ પ્રકારનું નિવેદન ઘણુ સૂચક રીતે જોવામાં આવી રહ્યુ છે.
આપને જણાવી દઈએ કે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ચૌધરી સમાજમાં મોટુ નામ ધરાવતા પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવી છે. આ અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચેલા ભરતસિંહ ડાભીએ આ પ્રકારનું નિવેદન આપ્યુ હતુ.