Mehsana : લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ !મુખ્ય આરોપીએ 18 જગ્યા પર કર્યા હતા લગ્ન, 4 આરોપી પોલીસ સકંજામાં, જુઓ Video
રાજ્યમાં પવિત્ર લગ્નસંબંધને લૂંટનું સાધન બનાવતી ‘લૂંટેરી દુલ્હન’ની શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. આ ટોળકી ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી, લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુચક્કર થઈ જતી હતી.
રાજ્યમાં પવિત્ર લગ્નસંબંધને લૂંટનું સાધન બનાવતી ‘લૂંટેરી દુલ્હન’ની શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. આ ટોળકી ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી, લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુચક્કર થઈ જતી હતી. એટલું જ નહીં, જો કોઈ યુવક પૈસા પાછા માંગે તો તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી અપાતી હતી. ત્યારે પોલીસે ‘લૂંટેરી દુલ્હન’ સહિત આખી ગેંગને ઝડપી પાડી છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીઓએ 18થી વધુ લોકોને શિકાર બનાવી 52 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ !
આ લૂંટેરી દુલ્હનનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે બેચરાજીના આદીવાડા ગામના એક યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગત ઓગસ્ટ માસમાં યુવકે 5 લાખ રૂપિયા અને દાગીના આપી અમદાવાદની ચાંદની સાથે લગ્ન કર્યા છે. પરંતુ લગ્નના માત્ર ચાર જ દિવસ બાદ ચાંદનીના કહેવાતા બનેવી રાજુ ઠક્કર આવ્યા અને પિતાની બીમારીનું નાટક કરી ચાંદનીને લઈ ગયા હતા. બાદમાં ફોન બંધ કરી દીધો. જ્યારે યુવકે તેમનો સંપર્ક કર્યો ત્યારે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. છૂટાછેડા માટે બીજા 50 હજાર પડાવ્યા હતા.
3 મહિલા સહિત 4 આરોપીઓ સકંજામાં
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આરોપી ચાંદનીએ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 18 જેટલા લગ્ન કર્યા છે. વાવ, ઈડર, પાટણ, બાવળા, રાજકોટ અને મોરબી સહિતની જગ્યાએ લગ્ન કરી આ ટોળકીએ લાખો રૂપિયા પડાવ્યા છે. ચાંદની ઉપરાંત રશ્મિકા નામની અન્ય એક મહિલા પણ દુલ્હન બની છેતરપિંડી કરતી આ ટોળકી લગ્ન દીઠ 2થી 5 લાખ રૂપિયા વસૂલતી અને થોડા દિવસોમાં જ ફરાર થઈ જતી હતી. આ કૌભાંડમાં અમદાવાદના ‘શુભમ મેરેજ બ્યુરો’ અને ‘જયમાડી મેરેજ બ્યુરો’ની પણ મહત્વની ભૂમિકા હતી. હાલ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચાંદની, તેની માતા સવિતાબેન, દલાલ રાજેશ અને રશ્મિકાની ધરપકડ કરી છે.
