બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પહાડી વિસ્તારમાં આગની ઘટનાઓ વધી રહી છે. બનાસકાંઠાના દાંતા પાસે પહાડી વિસ્તારમાં ગઈકાલે લાગેલી આગ (Fire) હજુ પણ યથાવત છે. દાંતા ગામના પહાડી વિસ્તારમાં આજે સવારે પણ આગની જ્વાળાઓ યથાવત જોવા મળી. આગ લાગવાને પગલે વન વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા કામે લાગી ગયા છે. આગ પર કાબૂ મેળવવા 14 વ્યક્તિઓની બે ટીમો ગઈકાલથી કામે લાગેલી છે. જો કે હજુ સુધી આગ કાબુમાં આવી નથી.
આગની ઘટનાને લઈ વહીવટી તંત્ર અને વનવિભાગ દોડતું થયું છે. આ વિસ્તારમાં સરકારી વન્ય પ્રાણીઓનો વસવાટ પણ ખૂબ છે. વન્યપ્રાણીઓ અહીં સતત આંટાફેરા કરતા રહે છે. જેના કારણે આગ પર કાબુ મેળવવા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના હરીવલ (ધરેડા મહુડી) વિસ્તારના ટોચ પર આ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે તે ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે. ત્યારે આગ પર કાબુ મેળવવા વન વિભાગ ભારે જહેમત ઉઠાવી રહ્યુ છે.
મહત્વનું છે કે બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે. ઉનાળામાં ગરમીને કારણે વૃક્ષોમાં આગ લાગતી હોય છે. અન્ય વૃક્ષો પણ આ આગની લપેટમાં આવતા આગ વિકરાળ સ્વરુપ ધારણ કરતુ હોય છે. ત્યારે દાંતા પાસેના પહાડી વિસ્તારમાં લાગેલી આ આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમો કામે લાગી છે.