માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી- જુઓ Video
જુનાગઢના માંગરોળમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. એકસામટો 22 ઈંચ વરસાદ ખાબકી જતા જનજીવન ભારે પ્રભાવિત થયુ છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ભારે કફોડી હાલત થઈ છે.
જુનાગઢના માંગરોળમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ ધબધબાટી બોલાવતા એકસામટો 22 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી- પાણી જ દેખાઈ રહ્યુ છે. ત્યાં સુધી કે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોની તમામ ઘરવખરી પલળી ગઈ છે. ખાવા-પીવાની ચીજો પણ સલામત રહી નથી.
માંગરોળમાં આવેલી સાગર સોસાટી વિસ્તાર વરસાદી પાણીથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. જ્યાં અનેક ઘરોમાં અંદાજે પાંચ ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ એવી બની છે કે સોસાયટીમાં અવરજવર માટે સ્થાનિકોને હોડીનો સહારો લેવો પડી રહ્યો છે.
ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ઘૂસી જતાં અનાજ પણ પલળી ગયું છે, જેના કારણે રહેવાસીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડેપ્યુટી કલેક્ટર અને ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી હોવા છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો નથી.
તો બીજી તરફ અહીં ડેપ્યુટી કલેક્ટર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીને પૂરતી ગણાવી રહ્યા છે. તેમનો દાવો છે કે સમગ્ર સિઝનનો વરસાદ ગણતરીના કલાકોમાં પડી જતા માંગરોળની આવી સ્થિતિ થઈ છે. જો કે તેમણે થોડા જ કલાકોમાં સ્થિતિ પૂર્વવત થઈ જશે તેવો દાવો કર્યો છે. તો અહીંના ધારાસભ્યએ પણ ભારે વરસાદનું કારણ આગળ ધરી પાલિકાનો બચાવ કર્યો છે.