અમદાવાદ ગ્રામ્યના માંડલ પંથકમાં જળસંકટથી જનજીવન ભારે પ્રભાવિત થયુ છે. માંડલ તાલુકાના અનેક ગામો ભારે વરસાદથી પાણીમાં ગરકાવ થયા છે. આસપાસના એંદલા,માનપુરા, ઓડકી અને ઉકરડી સહિતના ગામોમાં જળપ્રલય જેવી સ્થિતિ છે. માંડલમાં મેઘ તાંડવ વચ્ચે ગામલોકો પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વિઠલાપુર હાઈવે ઉપરના ગામોમાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. કરશનપુરા ગામમાં બે દિવસથી જનજીવન સંપૂર્ણ અસ્તવ્યવ્યસ્ત થયુ છે. ગ્રામજનોની અવરજવર માટે તંત્ર દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે દૂધ, પાણી, શાકભાજી સહિતની પ્રાથમિક જરૂરિયાતો ખોરવાઈ છે. ઘરોમાં પાણી ઘૂસી જતા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસક્યુ કરવામાં આવી રહ્યુ છે. રિબડી ગામ બહારના માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાયા છે. ગામમાં દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે પરંતુ તેનુ કાયમી સમાધાન આવતુ નથી. ગ્રામજનો વેદના વ્યક્ત કરતા જણાવે છે કે તેઓ વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાણીના નિકાલ માટે જેસીબીથી રોડના ડિવાઈડર તોડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે આગ લાગે ત્યારે તંત્ર કૂવો ખોદવા બેઠુ છે, તેવો ઘાટ ઘડાયો છે.
Input Credit- Piyush Gajjar- Viramgam