અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા અમેરિકન નિષ્ણાત મેદાને: AAIB અધિકારીઓના US જવા, પર ઉઠાવ્યા ગંભીર સવાલ
માઈક એન્ડ્ર્યુએ એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનામાં બનાસકાંઠાના કમલેશ ચૌધરી અને ધામુ ચૌધરી સહિત દીકરો અને પુત્રવધૂ ગુમાવનાર અનેક પરિવારો સાથે મુલાકાત કરી હતી.
અમદાવાદમાં થયેલી ભયાનક એરપ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ દુર્ઘટનાની તપાસમાં થઈ રહેલા વિલંબ અને પ્રક્રિયા પર સવાલ ઉઠાવવા માટે આંતરરાષ્ટ્રીય સિવિલ એવીએશન એક્સપર્ટ અને વકીલ માઈક એન્ડ્ર્યુ ખાસ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા.
AAIBની US યાત્રા પર ગંભીર સવાલ
માઈક એન્ડ્ર્યુએ તપાસ એજન્સી AAIB (Aircraft Accident Investigation Bureau)ની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, આજે સવારે જ AAIBના અધિકારીઓ કોઈ ખાસ ખાનગી વાતને લઈને ભારતથી છેક અમેરિકા જવા રવાના થયા છે. આ બાબત પર શંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું:
“એવી તો શું ખાનગી વાત છે કે ભારતથી છેક US જવું પડ્યું? જો ટેક્નીકલ કારણ ન હોત, તો ફોન અથવા અન્ય રીતે પણ કામ થઈ શક્યું હોત. આ સ્પષ્ટ સંકેત છે કે તપાસ એજન્સીને કઈક એવું મળ્યું છે કે જેના કારણે ટેક્નીકલ સલાહની જરૂર પડી છે. તપાસ એજન્સીને કઈક મળ્યું છે તે વાત નક્કી છે.”
પરિવારોને ન્યાયની આશા
માઈક એન્ડ્ર્યુએ ભારત અને UK માં અનેક પીડિત પરિવારોને મળીને તેમને આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે લોકો હજુ પણ ન્યાયની આશા રાખીને બેઠા છે અને તેમનો મુખ્ય પ્રયાસ છે કે દુર્ઘટનાના મૂળ કારણ સુધી પહોંચી શકાય.
દુર્ઘટનામાં પરિવાર ગુમાવનારના સ્વજનોએ જણાવ્યું કે ટાટા દ્વારા અત્યાર સુધી તેમને ₹1 કરોડ અને અન્ય ₹25 લાખ ચૂકવવામાં આવ્યા છે, પરંતુ તેમનો મુખ્ય પ્રયાસ ઘટનાનું મૂળ કારણ જાણવાનો છે. તેઓ માઈક એન્ડ્ર્યુની મદદથી દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ છે.
