નળ આવ્યા પણ પાણી ન પહોંચ્યું, ગુજરાતના આ આદિવાસી ગામના નળ પાણી માટે તરસ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Dec 10, 2024 | 11:17 PM

આ ગામમાં આદિવાસીઓ ખેતી અને પશુપાલન કરે છે. પાણીની ટાંકી બની, પણ 3 વર્ષ બાદ પણ પાણી નથી. મહિલાઓ કિલોમીટરો દૂરથી પાણી લાવે છે. પાણી પુરવઠા યોજનાના પૈસા ગોટાળામાં ગયા હોવાનો આરોપ છે. કામ અધૂરું છોડી દેવાયું અને પાઈપલાઈનમાં ખામી છે. લોકો હજુ પણ હેન્ડપંપ પર નિર્ભર છે. સરકારી યોજનાઓનો લાભ લોકોને મળતો નથી.

ભાજપ સરકાર જ્યારે જ્યારે ગામડાઓના વિકાસની વાત કરે છે, ત્યારે ત્યારે ‘નલ સે જલ’ યોજનાનો ઉલ્લેખ તમામ નેતાઓ કરે છે. સાવ છેવાડાના ગામમાં સાવ છેવાડે રહેતા લોકોને છેક ઘરે નળથી પાણી પહોંચાડવાનો દાવો થઈ રહ્યો છે. ચોક્કસથી કેટલાક સ્થળે આ દાવા સાચા પણ પડ્યા છે. પરંતુ દરેક સ્થળે તો નહીં જ.

અધિકારીઓ ક્યાંકને ક્યાંક 100 ટકા કામગીરી પૂર્ણ થયેલી બતાવવા માટે લાલિયાવાડી કરે છે. આવો જ એક પુરાવો ટીવીનાઈનને હાથ લાગ્યો છે. જ્યાં કામાગીરી તો થઈ. નળ પણ લાગ્યા. પરંતુ આજ દિન સુધી એ નળમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી.

વાત છે  મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું ઝેર ઉમરિયા ગામ. 200ની વસતી ધરાવતા આ ગામના લોકો 3 વર્ષ પહેલા ખૂબ ખુશ થયા હતા. મહિલાઓની વર્ષોની સમસ્યાનો અંત આવ્યો હતો. ઘરે ઘરે નળથી જળ યોજના હેઠળ પાઈપલાઈન નખાઈ હતી. 2-2 કિલોમીટર સુધી ચાલીને પીવાનું પાણી લાવવું પડતું હતું. તે સમસ્યાનો અંત આવવાનો હતો. પરંતુ તેમની એ અપેક્ષા ક્યારેય ફળી જ નહીં. 3-3 વર્ષ થયા. પણ હજુ સુધી એ નળમાં પાણી જ નથી આવ્યું.