જુનાગઢ: ભીખારીના સ્વાંગમાં મહિલાએ ઘરફોડ ચોરીને આપ્યો અંજામ, 2012થી આચરતી હતી ગુના- વીડિયો

જુનાગઢ: ભીખારીના સ્વાંગમાં મહિલાએ ઘરફોડ ચોરીને આપ્યો અંજામ, 2012થી આચરતી હતી ગુના- વીડિયો

| Edited By: | Updated on: Jan 05, 2024 | 10:21 PM

જુનાગઢમાં બગડુ ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભીખારીના વેશમાં ચોરી કરતી મહિલા 6 લાખની ચોરીને અંજામ આપી ચુકી છે. મહિલા ભીખારીના વેશમાં પહેલા રેકી કરતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપતી હતી. 2012થી અત્યાર સુધીમાં 12 થી વધુ ગુના આચરી ચુકી છે.

જો કોઇ ભિખારી દેખાય તો, એક નજર તેના પર પણ નાંખી લેજો. કદાચ ભિખારીના વેશમાં કોઇ ચોર પણ હોઇ શકે. જુનાગઢના બગડુ ગામે આવી જ એક ઘટના બની. જ્યાં ભિખારીના વેશમાં આવેલી મહિલા 6 લાખથી વધુની ઘરફોડ ચોરી કરી ગઇ અને પોલીસે તેની ધરપકડ કરતા. તેણે વર્ષ 2012થી અત્યાર સુધી 12થી વધુ ગુના આચર્યા હોવાનું કબૂલ્યું. ઘટનાની વાત કરીએ તો, નાતાલના દિવસે આ મહિલા ભિખારીના વેશમાં ગામમાં ગઇ હતી અને જ્યારે પરિવાર ઘરમાં નહોતો. તે દરમિયાન ઘરમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. જો કે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ, LCB અને નેત્રમની ટીમ કામે લાગી હતી. જે બાદ CCTVના આધારે તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસ દરમિયાન ખામધ્રોળ રોડ વિસ્તારમાં એક શંકાસ્પદ મહિલા દેખાઇ હતી અને તેની સાથે એક બાળક પણ હતું. આ મહિલા સોસાયટીમાં ચોરી કરવાના ફિરાકમાં હતી. ત્યારે પેરોલ ફર્લો સ્કવોડે સ્થળ પર પહોંચીને મહિલાને ઝડપી લીધી. જે બાદ પૂછપરછ કરતા તેણે સમગ્ર ગુનો કબૂલી લીધો. તપાસમાં સામે આવ્યું કે, આરોપી મહિલાનું નામ ટીના ઉર્ફે ઇક્કાબેન વાલ્મિકી છે અને તે બનાસકાંઠાના થરા ગામની વતની છે.

આ પણ વાંચો: ગીર સોમનાથ: દિલ્હી અને લદ્દાખના રાજ્યપાલે સપરિવાર કર્યા સોમનાથ મહાદેવના દર્શન- જુઓ તસ્વીરો

ઉલ્લેખનીય છે, આ મહિલા ભિખારીના વેશમાં જઇને બંધ મકાનોની રેકી કરતી હતી અને મોકો જોઇને ચોરીને અંજામ આપતી. હાલ તો, પોલીસે મહિલા પાસેથી 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો