Junagadh Breaking News: આભ ફાટતાં જનજીવન ખોરવાયું, સોમનાથ-પોરબંદર હાઈવે ધોવાતા વાહનવ્યવહાર ઠપ – જુઓ Video
જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા સામાન્ય જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. ધોધમાર વરસાદને લીધે સોમનાથ-પોરબંદર હાઈવે પર ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર જનજીવન ભારે ખોરવાયું છે. ધોધમાર વરસાદને લીધે સોમનાથ-પોરબંદર હાઈવે પર મોટા પાયે ધોવાણ થયું છે. હુસેનાબાદ આગળ નેશનલ હાઈવેનું અંદાજે 40 ફૂટ જેટલું ધોવાણ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાતથી જ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દેવાઈ છે.
બીજી તરફ, આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે, બ્રિજ પર નવી બનેલી પાળીને લીધે જ આ મોટી સમસ્યા સર્જાઈ છે. અગાઉ જૂના બ્રિજ પર જાળીઓ લગાવવામાં આવી હતી, જેના કારણે વરસાદનું પાણી ખૂબ જ સરળતાથી નીકળી જતું હતું.
જો કે, હાલમાં બનાવેલી પાળીના લીધે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નથી અને પાણીનું દબાણ વધતાં હાઈવે ધોવાઈ ગયો છે. આ મુશ્કેલીને જોતાં સ્થાનિકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે, અગાઉ જે પ્રકારે વ્યવસ્થા હતી તે જ પ્રકારે બ્રિજ પર ફરીથી જાળી લગાવવામાં આવે.
