Junagadh Video : તરલ ભટ્ટના વધુ એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા, જાણો શું છે વધુ રિમાન્ડના કારણ
ATSએ અલગ-અલગ મુદ્દા માટે તરલ ભટ્ટના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી છે, ત્યારે તપાસમાં નવા ખુલાસા થવાની સંભાવના છે. તરલ ભટ્ટે અનેક બેંક ખાતા ફ્રીજ કરાવીને કરોડોનું કૌભાંડ આચર્યું હતું અને રાજકોટના બે બુકીઓની લડાઇમાં એક બુકીનો હાથો બન્યા હતા
જૂનાગઢમાં તોડકાંડ કેસના આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની મુશ્કેલી હવે વધી છે. આરોપી તરલ ભટ્ટને ફરી એક વાર પોલીસ રિમાન્ડમાં મોકલાયો છે. આરોપીના અગાઉના રિમાન્ડ પૂરા થતા ATSએ કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે તરલના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ATSએ અલગ-અલગ મુદ્દા માટે તરલ ભટ્ટના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી છે, ત્યારે તપાસમાં નવા ખુલાસા થવાની સંભાવના છે. તરલ ભટ્ટે અનેક બેંક ખાતા ફ્રીજ કરાવીને કરોડોનું કૌભાંડ આચર્યું હતું અને રાજકોટના બે બુકીઓની લડાઇમાં એક બુકીનો હાથો બન્યા હતા, ત્યારે ATS વધુ હકીકતનો ખુલાસો કરવા તપાસમાં લાગી છે.
વધુ રિમાન્ડ મેળવવાના કારણો
જણાવી દઇએ કે તરલ ભટ્ટના વધુ રિમાન્ડ મેળવવાના ATSના કેટલાક કારણો છે. તરલ ભટ્ટે ગુનામાં બે મોબાઈલ અને બે સીમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો તેની તપાસ ખૂબ જરૂરી છે. તેણે સાયબર ક્રાઇમની ઓફિસમાંથી કોમ્પ્યુટરના ડેટા પોતાની પર્સનલ પેન ડ્રાઈવમાં લીધા હતા. બેંક ખાતાઓની KYCની માહિતી બે વખત ચોરી હતી. FSLમાંથી આવેલા કોપીમાં ડેટાનો અભ્યાસ કરાયો હતો. આરોપીએ રજૂ કરેલી પેન ડ્રાઇવમાં બેંક ખાતાને લગતી માહિતી હજી સુધી નથી મળી. આરોપીએ ઇરાદાપૂર્વક અસલી પેનડ્રાઇવ રજૂ ન કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ પૂછપરછ ચાલુ છે.
તમામ મુદ્દા ATSએ કોર્ટમાં રજૂ કર્યા
આ ઉપરાંત તરલ ભટ્ટના મોબાઈલમાંથી 431 ઇમેજ મળી. જેમાંથી 265 બેંક ખાતાની માહિતી વાળી ઇમેજ હતી. તો 265માંથી 178 ખાતા ફ્રિજ કરવા બાબતની નોટિસો કાઢી હોવાનો પણ ખુલાસો થયો છે. બાકીના 87 બેંક ખાતાના નંબર SOG સિવાય અન્ય કોઇ એજન્સી મારફતે ડિલીટ કરાવી છે કે નહીં તેની તપાસ કરવા માટે રિમાન્ડ મેળવાયા છે. વધુમાં તરલ ભટ્ટ 31 જાન્યુઆરી 2024ના રોજ દીપ શાહ સાથે ઇન્દોરની લક્ઝરી હોટલમાં રોકાયો હતો, ત્યારે દીપ શાહે પોતાનું આધાર કાર્ડ હોટલમાં રજૂ કર્યું હતું અને તરલ ભટ્ટે રાજગોર દર્પાલ અનિલ કુમાર નામની ઓળખાણ રજૂ કરી હતી. આ તમામ મુદ્દા ATSએ કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મંજૂર કરાયા છે.
