Maha Shivratri : આ વખતે જુનાગઢ શિવરાત્રીનો મેળો ‘શિવ’ભરોસે ! જિલ્લા સમાહર્તા ઉતર્યા રજા પર, કોંગ્રેસ આકરાપાણીએ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરીની ગેરહાજરી પ્રત્યે નારાજગી દર્શાવી છે. જૂનાગઢના આગેવાનોનો આરોપ છે કે ગત વર્ષના મેળો હોય કે પરિક્રમાની તૈયારી,તમામ મોટા આયોજનો સમયે કલેક્ટર ઇરાદાપૂર્વક રજા પર ઉતરી જાય છે.
શિવરાત્રીના મેળા પહેલા જૂનાગઢના કલેક્ટર રજા પર ઉતરી ગયા છે. કયા કારણોથી કલેક્ટર રજા પર ઉતર્યા છે તે નથી જાણી શકાયું, પરંતુ જ્યાં લાખો ભક્તોનો જમાવડો હોય ત્યાં જ જવાબદાર અધિકારી ન હોય તો કેવી રીતે ચાલે. આ સવાલ જૂનાગઢના સંતો અને આગેવાનોએ ઉઠાવ્યા છે.
લઘુ ઉદ્યોગ વિકાસ ભારતીના પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરીની ગેરહાજરી પ્રત્યે નારાજગી દર્શાવી છે. જૂનાગઢના આગેવાનોનો આરોપ છે કે ગત વર્ષના મેળો હોય કે પરિક્રમાની તૈયારી, તમામ મોટા આયોજનો સમયે કલેક્ટર ઇરાદાપૂર્વક રજા પર ઉતરી જાય છે.
18 ફ્રેબુઆરી સુધી ચાલશે મિની કુંભમેળો
જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે ઐતિહાસિક એવા મહાશિવરાત્રીના મેળાનો શુભારંભ થયો છે, મેળાના પ્રારંભ અગાઊ ધજા રોહણની વિધી પૂર્ણ કરવામાં આવી હતી. સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગીરી બાપુએ ધજારોહણ કર્યું હતું તે સાથે જ ભવનાથ મંદિરના પરિસરમાં હર હર ભોલે, અને હર હર મહાદેવનો નાદ ગૂંજયો હતો.
આ સાથે જ શિવરાત્રીના મેળાનો વિધીવત્ પ્રારંભ થયો હતો. આ ધજારોહણ બાદ તળેટીમાં આવેલા અલગ અલગ અખાડાઓમાં પણ ધજારોહણ કરવામાં આવ્યું હતું. ધજારોહણ બાદ અન્નક્ષેત્રો પણ શરૂ કરવામાં આવ્યા હતા ભવનાથની તળેટીમાં ચાર દિવસ સુધી ભજન , ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. જો કે હાલ આ બધાની વચ્ચે કલેક્ટરની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે.