જૂનાગઢ (Junagadh) મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં બજેટ (Budget)ને મંજૂરી આપવામાં આવી છે. શાસક પક્ષે દાવો કર્યો છે કે નવા બજેટમાં જુનાગઢને પ્રવાસન શહેર તરીકે વિકસાવવા માટેની અનેક નવી યોજનાઓ બનાવવામાં આવી છે. તો બીજી તરફ વિપક્ષે આ બજેટને દિવા સ્વપ્ન સમાન ગણાવ્યુ છે.
વર્ષ 2022ના બજેટમાં જૂનાગઢ શહેરમાં વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન જુનાગઢ બનાવવાનું આયોજન દર્શાવવામાં આવ્યુ છે. કચ્છમાં ઉજવાતા રણોત્સવની જેમ જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં હવે ગિરનાર ઉત્સવ ઉજવાશે. દામોદર કુંડ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને જૂનાગઢ શહેરની ઐતિહાસિક વાતોની ટૂંકી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જૂનાગઢની આઝાદી અંગે જાગૃતતા માટેનું આયોજન, જૂનાગઢ શહેરના એક વોર્ડને પાણી માટેના મીટર લગાવી મોડલ વોર્ડની જોગવાઈ નવા બજેટમાં કરવામાં આવી છે.
જનરલ બોર્ડની બેઠકમાં રજુ કરાયેલા બજેટની ખાસ વાત એ છે કે વેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ આ બજેટને લઈ વિરોધ પક્ષના મહિલા નગરસેવિકાએ આક્ષેપ કર્યો છે કે જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરનુ વર્ષોથી કામ ટલ્લે ચડી રહ્યું છે, ઓવરબ્રિજની કામગીરી ટલ્લે ચઢી રહી છે, આવા અનેક કામો ટલ્લે ચઢી રહ્યા છે ત્યારે પ્રજાને આ વખતે પણ દિવાસ્વપ્ન બતાવવાનું કામ મહાનગરપાલિકાના શાસકોએ કર્યું છે. બજેટમાં દર્શાવાયેલા એક પણ કામ થાય તેવી કોઈ શક્યતા ન દેખાતી હોવાનું કોંગી નગરસેવકે જણાવ્યુ હતુ.
આ પણ વાંચો-
આ પણ વાંચો-