પાલિતાણામાં મંદિરમાં તોડફોડ મુદ્દે ગુજરાતભરમાં જૈન સમાજમાં રોષ, પાલનપુરમાં રેલી યોજી કર્યુ વિરોધ પ્રદર્શન
Palanpur: પાલિતાણામાં મંદિરમાં થયેલી તોડફોડ મુદ્દે સમગ્ર ગુજરાતમાં જૈન સમાજમાં રોષ ફેલાયો છે. પાલનપુરમાં પણ જૈન સમાજના લોકોએ રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યુ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
પાલીતાણામાં દેરાસરમાં તોડફોડ મુદ્દે ગુજરાતભરમાં જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુરનો જૈન સમાજ પણ આ મુદ્દે રસ્તા પર ઉતર્યો છે. જૈન સમાજે ગઠામણ દરવાજાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું છે. જૈન સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
18 ડિસેમ્બરે જૈન સમાજના લોકોએ યોજી હતી વિશાળ રેલી
આ તરફ 18 ડિસેમ્બરે પાલીતાણામાં 10 હજારથી વધુ જૈન સમાજના લોકોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શેત્રુંજી પર્વત પર આવેલા નિલંકઠ મંદીરની બહાર થયેલી તોડફોડને લઈ જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે. રાજ્યમાંથી જૈન સમાજના અગ્રણી અને આગેવાનો વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા. તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મસભા પણ યોજાઇ હતી. ધર્મસભા પુરી થયા બાદ જૈન સમાજની વિશાળ રેલીએ વિરોધ નોંધાવ્યો હતો. અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કોમી વૈમન્સય ફેલાવનાર તત્વો સામે પગલા ભરવા માગ કરી હતી.
શું હતો વિવાદ?
શેત્રુંજી પર્વત પરના નીલકંઠ મહાદેવ મંદિર સામે CCTV લગાવતા મંદીરના પુજારી અને તેમના સાગરિતોએ તોડી પાડ્યા હતા. આ વાતને લઈ જૈન સમાજમાં રોષ ભભૂક્યો છે. અગાઉ આણંદજી કલ્યાણજી પેઢીએ આ મંદિરનો કબજો લઈ પોતાનો પુજારી અને ચોકીદાર નક્કી કરતા હિન્દુ સંગઠનોમાં પણ જૈન સમાજ સામે રોષ જોવા મળ્યો હતો. ત્યારે પાલીતાણામાં ઊભા થયેલા ધર્મના વિવાદમાં સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવા જણાવ્યુ હતું અને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી સોંપી છે, તો બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભાવનગરના આઈ જી અને એસપી સહિતના અધિકારીઓને પણ આ મામલે તપાસ કરવા આદેશ કર્યા છે….