સુરતના 11 વર્ષના બાળકની કમાલ, ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ 5 રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો બનાવ્યો રેકોર્ડ
એક નહીં, પરંતુ અઘરા ગણાતા Mirror Cube, 2x2, 3x3, Pyraminx and Skewb Cube એમ પાંચ-પાંચ પ્રકારના રૂબિક્સ ક્યુબ્સ હવામાં લટકતી અવસ્થામાં ઉપર પગ અને નીચે માથું રાખી સુરતના આ બાળકે ઉકેલ્યા છે.
રૂબિક્સ ક્યુબ એ મગજને કસવાની ખૂબ જ અનોખી રમત છે. બુદ્ધિક્ષમતાને મજબૂત બનાવવા ઈચ્છતા બાળકો, યુવાનો આ રમતમાં અતિ રસ ધરાવતા હોય છે.
આ રમત રમવી જેટલી દેખાય એટલી સરળ નથી. એકવાર રૂબિકસ ક્યુબ્સને અસ્તવ્યસ્ત કરીએ ત્યારે ફરી તેને મૂળ અવસ્થામાં લાવતા લાંબો સમય લાગી શકે છે, પરંતુ સુરતના અડાજણના 11 વર્ષીય સાર્થક વત્સલભાઈ ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી બતાવી છે, તેણે એક મિનિટમાં સૌથી વધુ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો છે, એ પણ ઉંધા માથે લટકતા રહીને. તેણે એક નહીં, પરંતુ અઘરા ગણાતા Mirror Cube, 2×2, 3×3, Pyraminx and Skewb Cube એમ પાંચ-પાંચ પ્રકારના રૂબિક્સ ક્યુબ્સ હવામાં લટકતી અવસ્થામાં ઉપર પગ અને નીચે માથું રાખી ઉકેલીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે.
અડાજણની પ્રેસિડેન્સી સ્કુલમાં ધો.5 માં અભ્યાસ કરતા સાર્થકનો પરિવાર સ્પોર્ટ્સપ્રેમી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેના પિતા વત્સલભાઈ પણ બાળવયે 1997 -98 માં જિમ્નાસ્ટીકસની વિવિધ રાજ્ય, રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ જીતી ચૂક્યા હતા, જ્યારે તેની ફોઈ રિદ્ધિબેન પણ જિમ્નાસ્ટીકસના પારંગત ખેલાડી હતા.
ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું
સાર્થકે ગત ૯મી ડિસેમ્બરે આ રેકોર્ડ બનાવ્યો હતો, જે દિવસે તેની વય 10 વર્ષ 11 મહિના અને 4 દિવસની હતી. જેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા તમામ જરૂરી ચકાસણી કરીને ઉંધા લટકીને એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાના રેકોર્ડને સ્ક્રુટીની અને પ્રમાણિત કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે અને ગત તા.૫મી જાન્યુ.એ પ્રમાણપત્ર, મેડલ ટ્રોફી કુરિયર મારફતે મોકલી આપ્યા હતા.
દરેક વ્યક્તિએ ક્યારેક તો જિંદગીમાં રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાની કોશિશ કરી જ હશે. જટિલ લાગતી આ રમત તીવ્ર વિચારક્ષમતા અને બુદ્ધિશક્તિ માંગી લે છે, ત્યારે સાર્થકે એકાગ્રતા રાખીને આ રમતના અલ્ગોરિધમ્સમાંથી ટેકનિક શીખી, ઓછા સમયમાં કોયડા ઉકેલવામાં માસ્ટરી મેળવી છે. બાળકોને તેમની રૂચિ પ્રમાણે પ્રોત્સાહિત કરવામાં આવે તો તેઓ તેમની કારકિર્દીમાં ખૂબ આગળ વધી શકે છે એ વાત સાર્થકે સાર્થક કરી છે.