“જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ હોય તો હિંદુઓ માટે હિંદુ બોર્ડ કેમ નહીં-?” ગુજરાતની ધરતી પરથી બાબા બાગેશ્વરે કરી મોટી માગ- જુઓ Video

|

Sep 26, 2024 | 5:34 PM

ગુજરાતના મોરબીમાં એક કાર્યક્રમમાં આવેલા બાગેશ્વરધામના પીઠાધીશ આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ સરકાર સમક્ષ મોટી માગ કરી છે. બાબા બાગેશ્વરે જણાવ્યુ કે હું આજે ગુજરાતની ધરતી પરથી કહેવા માગુ છુ કે જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ હોય તો હિંદુઓ માટે પણ સનાતન હિંદુ બોર્ડની રચના સરકારે કરવી જોઈએ.

મોરબી એક કાર્યક્રમમાં આવેલા બાગેશ્વરધામના પીઠાધીશ આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતની ધરતી પરથી એક ખાસ માગ કરી છે. આ માગ છે સનાતન હિંદુ બોર્ડની. બુધવારે મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાતથી જ તેમણે સરકાર સમક્ષ એક ખાસ માગ પણ કરી. તેમનુ કહેવુ છે કે ગુજરાતની ધરતી પરથી એટલે કહી રહ્યો છુ કે તેની ગૂંજ સમગ્ર વિશ્વ સુધી પહોંચશે. તેમણે કહ્યુ જો વિધર્મમાં વકફ બોર્ડની રચના થઈ શક્તિ હોય તો સનાતનની રક્ષા માટે સનાતન હિંદુ બોર્ડની રચના શા માટે ન થઈ શકે? સનાતનની રક્ષા માટે તે ખૂબ જ જરૂરી છે.

હાલ સમગ્ર દેશમાં તિરુમલ તિરુપતિ બાલાજીના લાડુ પ્રસાદમાં ભેળસેળનો મુદ્દો ગરમાયો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ હતુ કે આ સમસ્યાનો ઉકેલ જ એક જ છે અને તે એ કે દરેક મંદિરમાં એક ગૌશાળા અચૂક હોય. બીજુ એ કે મંદિરમાં અભિષેકથી લઈ પ્રસાદ સામગ્રી માટે આ ગૌશાળાના ગાયોના દૂધનો જ ઉપયોગ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે હરિહર ધામના પ્રસિદ્ધ સદગુરુ કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષનો અવસર ચાલી રહ્યો છે. જે નિમિત્તે આયોજીત શ્રીમદ ભાગવત કથાના સમાપનમાં ભાગ લેવા આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી મોરબી આવ્યા હતા અને અહીંથી તેમણે સનાતન હિન્દુ બોર્ડની રચનાની માંગ કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video