Gir Somnath: ગીરસોમનાથમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. તાલાલા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે આંબશાળ ગામ બેટમાં ફેરવાયુ છે. ગામમાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ગામની શેરી અને રસ્તા પાણીમાં ડૂબ્યા છે. ચારે તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે.
ભારે વરસાદને પગલે તાલાલા નજીકનો હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ગીરના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. હિરણ-2 ડેમના તમામ 7 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ડેમના પાંચ દરવાજા 2 ફુટ તેમજ 2 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે.
આ તરફ જિલ્લાના સુત્રાપાડામાં આભ ફાટ્યુ છે. સુત્રાપાડામાં સાંબેલાધાર 14 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. પશ્નાવડા ગામે આરોગ્ય વિભાગના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. એકસાથએ 14 ઈંચ વરસાદ ખાબકી જતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે.
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો