ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. તેમજ ભાડથર, ઠાકર શેરડી, ભીંડા, ફોટ, સહિતના ગામોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6.9 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઉમરાળામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ તરફ ભાવનગરના જેસરમાં 3.8 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના પાલિતાણામાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે.
તેમજ બોટાદના ગઢડામાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના શિહોરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો નોંધાયો છે. 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.