Gujarati Video : પીએમ મોદીના આગમન સાથે જ મોદી-મોદીના નારાથી ગૂંજી ઉઠ્યુ સ્ટેડિયમ, 70 હજારથી વધુ દર્શકો ઉમટ્યા
Ahmedabad: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ મેચનો રંગારંગ કાર્યક્રમ સાથે પ્રારંભ થઈ ચુક્યો છે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીસ સ્ટેડિયમમાં ઉપસ્થિત છે ત્યારે સમગ્ર સ્ટેડિયમ મોદી-મોદી અને ઈન્ડિયા ઈન્ડિયાના નારાથી ગૂંઝી ઉઠ્યુ છે.
ઓસ્ટ્રોલિયાના પીએમ અલ્બાનીસ ત્રણ દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં બંને દેશના દિગ્ગજો પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ ખાસ ઉપસ્થિત રહ્યા છે. જેને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર સ્ટેડિયમ રંગારંગ કાર્યક્રમ અને ગીત સંગીતથી ગૂંજી ઉઠ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીસ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી સમગ્ર સ્ટેડિયમ દર્શકોથી ખચોખચ ભરેલુ છે. આશરે 70,000થી વધુ દર્શકો સ્ટેડિયમમાં મેચ નિહાળવા પહોંચ્યા છે. સૌપ્રથમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીસ સ્ટેડિયમ પહોંચ્યા હતા. બંને દેશના વડાઓએ ગળે મળી અભિવાદન કર્યુ હતુ. ત્યારબાદ બંને પીએમ BCCIના અધ્યક્ષ જય શાહ સહિતના દિગ્ગજોને મળ્યા હતા. BCCI દ્વારા બંને પીએમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા
પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ ઉપસ્થિત રહેવાના હોવાથી સમગ્ર સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ દ્વારા દોસ્તીની નવી ઈનિંગ શરૂ થવા જઈ રહી છે. આ સ્ટેડિયમથી જ ચીન અને પાકિસ્તાનને સીધો સંદેશ પણ એક રીતે અપાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કંઈક નવુ કરી રેકોર્ડ સ્થાપિત કરવા માટે જાણીતા છે. ત્યારે ક્રિકેટની પીચથી વર્લ્ડ પીચ પર ડિપ્લોમસીનો એક આયામ પીએમ મોદી દ્વારા શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ટેસ્ટ મેચ ઐતિહાસિક મેચ બનવા જઈ રહી છે. આ અગાઉ પણ આ જ સ્ટેડિયમમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના માનમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો.