Junagadh: માણસોને દરિયાકાંઠે મોજ માણતા તમે ખૂબ જોયા હશે પરંતુ આજકાલ હવે સિંહ પણ જાણે રજાઓ ગાળવા દરિયાકાંઠે નીકળી પડ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આવા દ્રશ્યો જવ્વલે જ જોવા મળતા હોય છે, હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જુનાગઢ નજીક અરબી સમુદ્રના કાંઠે આશ્ચર્યજનક નજારો જોવા મળ્યો હતો. દરિયાકાંઠે એક એશિયાઈટિક સિંહ દરિયાના મોજાની મોજ લૂંટી રહ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને થાય પણ કેમ નહીં કારણ કે લોકોએ અત્યાર સુધી ફક્ત જંગલમાં જ સિંહ જોયો છે. એવું ખૂબ ઓછું જોવા મળે છે જ્યારે જંગલનો રાજા દરિયાકાંઠે આવી ચડે છે.
ભારતીય વન સેવા અધિકારી પરવીન કાસવાંએ અને ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટે સિંહની તસવીરો ટ્વીટર પર શેર કરી હતી. જેમાં કેટલાક યુઝર્સે રમુજી કોમેન્ટ્સ કરી હતી. કોઈએ લખ્યું કે- સિંહ પોતાની રૂટીન લાઈફથી કંટાળી ગયો છે. તો કોઈએ લખ્યું કે સિંહ રવિવારની રજા માણી રહ્યો છે, જ્યારે એક યુઝરે લખ્યું હતું કે સિંહ લાંબા વિકેન્ડ માટે બીચ પર ગયો છે, રજા પૂરી થતાં જ તે જંગલમાં પાછો ફરશે. જોકે, ઘણા લોકોને વિશ્વાસ ન હતો કે આ ફોટો અસલી છે. તેમને લાગ્યું કે આ ફોટો નરનિયા ફિલ્મનો સ્ક્રીનશોટ છે. પરંતુ જ્યારે IFS અધિકારીએ કહ્યું કે જૂનાગઢના વન વિભાગના અધિકારી દ્વારા આ વીડિયો લેવાયો છે ત્યારે તેમને વિશ્વાસ આવ્યો હતો.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:42 pm, Tue, 3 October 23