Gujarati Video: આવી રીતે ભણશે ગુજરાત ! સરકારી શાળામાં શિક્ષકો ન હોવાથી ગામલોકોએ કરી તાળાબંધી
Ahmedabad: એકતરફ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના સરકારી વિજ્ઞાપન ચલાવવામાં આવે છે પરંતુ ધંધુકાની ઉંચડી ગામની સરકારી શાળામાં પૂરતા શિક્ષકો જ નથી.ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો શિક્ષકો જ ન હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે.
Ahmedabad: એક તરફ સરકાર દ્વારા શાળામાં ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવા તાયફા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળામાં પૂરતા શિક્ષકો જ ન હોય તો વિદ્યાર્થીઓ શાળાએ આવીને કરશે શુ? કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણ નીતિમાં સ્પષ્ટ કહેવાયુ છે કે 25 વિદ્યાર્થીઓ એક શિક્ષક હોવો જોઈએ, આ રેશિયો ખૂબ ઓછી સ્કૂલોમાં જોવા મળે છે.
અમદાવાદના ધંધુકામાં આવેલા ઊંચડી ગામની શાળામાં 198 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ શિક્ષકો છે. અપૂરતો સ્ટાફ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યુ છે.200 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષકો કેવી રીતે પહોંચી વળે તે સવાલ થવો પણ વ્યાજબી છે. રોજની આ ઘટમાળથી નારાજ વાલીઓએ અને ગામલોકોએ મળીને શાળાને તાળાબંધી કરી દીધી હતી.
ગ્રામજનોએ માગ કરી છે કે શાળામાં શિક્ષકોનો પૂરતો સ્ટાફ મૂકવામાં આવે. જેથી બાળકો સારી રીતે ભણી શકે. ઉલ્લેખનીય છે, શાળામાં પહેલા કુલ 4 શિક્ષકો મૂકાયા હતા,જેમાંથી એકની ગાંધીનગર તો અન્ય એક શિક્ષકની નજીકના ગામમાં બદલી કરવામાં આવી. જેથી ઊંચડી ગામની શાળામાં માત્ર 2 શિક્ષકો વધ્યા છે. તંત્ર તાત્કાલિક ધોરણે પૂરતા શિક્ષકોની નિમણૂક કરે તેવી માગ છે.
રાજ્યના 33 જિલ્લામાં 1657 જેટલી સ્કૂલો માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. સરકાર આદિવાસીઓના કલ્યાણની વાતો કરે છે પરંતુ આ વિસ્તારોની 353 સ્કૂલોમાં એક જ શિક્ષક છે. આ પરિસ્થિતિ વચ્ચે બાળકોનું શિક્ષણ કેવુ હશે તે સમજી શકાય તેમ છે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં હજી 75 હજાર શિક્ષકોની ઘટ છે. ગુજરાતમાં વારંવાર શિક્ષકોની ભરતી માટે યોજનાઓ લાવવામાં આવે છે. પણ સરકારને યોગ્ય અને તાલીમબદ્ધ શિક્ષકો મળતા નથી. સારા શિક્ષકો ગામડામાં જવા તૈયાર નથી, તેના કારણે ગામડામાં શિક્ષણ વ્યવસ્થાને મોટુ નુકસાન થઈ રહ્યુ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો