Gujarati Video : રાજકોટના લોધિકા ખરીદ વેચાણ સંઘનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો

| Edited By: | Updated on: May 21, 2023 | 2:18 PM

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં બે આગેવાનો વચ્ચે ચાલી રહેલું શીતયુદ્ધ પ્રથમવાર સપાટી પર આવ્યું છે. વર્તમાન ચેરમેન વર્સેસ પૂર્વ ચેરમેન વચ્ચોનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.

રાજકોટમાં ( Rajkot ) સહકારી સંસ્થામાં ચાલતી રાજનીતિ, કોઇ નવી ઘટના નથી. પરંતુ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં બે આગેવાનો વચ્ચે ચાલી રહેલું શીતયુદ્ધ પ્રથમવાર સપાટી પર આવ્યું છે. વર્તમાન ચેરમેન વર્સેસ પૂર્વ ચેરમેન વચ્ચોનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને ખરીદ-વેચાણ સંઘમાં ચાલતું ગૃહયુદ્ધ, જગજાહેર થયું છે.

આ પણ વાંચો : Rajkot: વર્ષ 2022-23 દરમ્યાન ગુજરાતમાં સૌથી વધુ પ્રસુતિ કરાવતી રાજકોટની જિલ્લા પદ્મકુંવરબા હોસ્પિટલ, કુલ 4662 પ્રસુતિ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે

15 કરોડના નફા બાદ પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગતા નીતિન ઢાંકેચાએ જેતે સમયે ચેરમેન પદે રાજીનામુ આપ્યું હતું. જોકે ચાલુ વર્ષે મળેલી બેઠકમાં 12 કરોડના નફાના આંકડા જાહેર કરાતા, ઢાંકેચાએ નફા-નુકસાનનો હિસાબ માગ્યો હતો અને નફો કેમ 15 કરોડથી ઘટીને 12 કરોડ થયો તેવો ચેરમેન નરેન્દ્રસિંહને સવાલ પૂછ્યો હતો. ઢાંકેચાનો આરોપ છે કે હિસાબ માગતા જ વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ ઉકળી ઉઠ્યા અને ઝઘડો કરીને બેઠકમાં હોબાળો મચાવી દીધો.

લોધિકા સંઘનો વિવાદ કમલમ સુધી પહોંચી શકે – સૂત્રો

મહત્વપૂર્ણ છે કે બે દિવસ અગાઉ જ પૂર્વ વાઇસ ચેરમેન અરજણ રૈયાણીએ લોધિકા સંઘના વાઇસ ચેરમેન પદેથી રાજીનામુ ધરી દીધુ હતું. ત્યારે ઢાંકેચાનો દાવો છે કે હિસાબ અંગે ઝઘડો થતા વાઇસ ચેરમેન અરજણ રૈયાણીને આઘાત લાગ્યો હતો અને ચેરમેનના ઉડાઉ જવાબને પગલે આઘાત લાગતા અરજણ રૈયાણીએ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. નીતિન ઢાંકેચાનો સવાલ છે કે 15 કરોડનો નફો કરતી સંસ્થાના નફામાં ઘટાડો કેમ થયો છે. શું લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ભ્રષ્ટાચાર થયો છે. નફામાં ઘટાડા પાછળના કારણો શું છે.

TV9 સાથેની વાતચીતમાં નરેન્દ્રસિંહે પોતાનો પક્ષ રજૂ કરતા તમામ આરોપો ફગાવ્યા હતા અને વળતો દાવો કર્યો હતો કે જો ઢાંકેચા ભ્રષ્ટાચારના આરોપો સાબિત કરે તો જાહેર જીવન જ નહીં, જીવવાનું જ છોડી દઇશ. આમ સહકારી સંસ્થામાં ચાલી રહેલો જૂથવાદ હવે છાપરે ચઢીને પોકારી રહ્યો છે. અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ નેતાઓના જ બે જૂથ આમને સામને આવી ગયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોધિકા સંઘનો વિવાદ કમલમ સુધી પણ પહોંચી શકે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો