રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણમાં બાળકોના ઉપયોગને લઇ હાઇકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. ડ્રગ્સ નેટવર્કમાં બાળકોના ઉપયોગના અહેવાલ બાદ હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકારને ટકોર કરી છે અને કોર્ટે ડ્રગ્સ નેટવર્કમાં બાળકના ઉપયોગને સંવેદનશીલ ગણાવ્યો હતો.
એટલું જ નહીં કોર્ટે ડ્રગ્સ નેટવર્કમાં બાળકોના ઉપયોગ અંગે સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. એક જ અઠવાડિયામાં તમામ પક્ષકારોને જવાબ રજૂ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. સાથે સાથે સરકારને હાઇકોર્ટે કેસની તપાસ કરી આવા બાળકોના પુનર્વસન માટે પગલા લેવા ટકોર કરી છે. હાઇકોર્ટે સુઓમોટો પિટિશનમાં ગૃહસચિવ, DGP સહિતનાને પ્રતિવાદી પક્ષકારો તરીકે જોડ્યા છે.
તો આવતીકાલે વિધાનસભા ગૃહમાં પણ ડ્રગ્સનો મુદ્દો ગૂંજશે. ડ્રગ્સના દૂષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. પ્રશ્નોત્તરી કાળ બાદ વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દરિયા કિનારેથી પકડાતા ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કરશે. એટલું જ નહીં સરકારે ડ્રગ્સનું દૂષણ દૂર કરવા શું પગલા લીધા તે અંગ પણ ચર્ચા કરવામાં આવશે.
મહત્વનું છે કે કોંગ્રેસના ધારસભ્યોએ રાજ્યમાં ડ્રગ્સના દૂષણ અંગે વિધાનસભામાં ચર્ચા કરવા માગ કરી હતી. કોંગ્રેસે તાકીદની જાહેર અગત્યની બાબતના નિયમ 116 અંતર્ગત ચર્ચાની માગ કરી હતી