Gujarati video : ગુજરાત યુનિવર્સિટીમાંથી 17 AC ગુમ થવા મામલે સિક્યોરિટી એજન્સીને ફટકારાઇ નોટિસ
AC ગાયબ થવા મામલે રજીસ્ટ્રારે એસ્ટેટ વિભાગ પાસે ખુલાસો માગ્યો છે. જેને લઈ હરકતમાં આવેલા એસ્ટેટ વિભાગે અન્ય વિભાગો અને સ્ટાફ સામે તપાસ હાથ ધરી છે.
Ahmedabad : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી (Gujarat University) 17 AC ગાયબ થવા મામલે હવે યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગે સિક્યોરિટી એજન્સીને નોટિસ ફટકારી છે. રિનોવેશનનું કામ કરનાર એજન્સી અને એસ્ટેટ વિભાગના સ્ટાફ પાસેથી પણ ખુલાસો માગવામાં આવશે. એસ્ટેટ વિભાગના અધિકારી શૈલેષ ગોસ્વામી પ્રમાણે, એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રિનોવેશન દરમિયાન સ્ટોરરૂમમાં AC મૂકાયા હતા. મહત્વનું છે કે AC ગાયબ થવા મામલે રજીસ્ટ્રારે એસ્ટેટ વિભાગ પાસે ખુલાસો માગ્યો છે. જેને લઈ હરકતમાં આવેલા એસ્ટેટ વિભાગે અન્ય વિભાગો અને સ્ટાફ સામે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- સુરતમાં છૂટાછેડાનું નક્કી થયા બાદ સસરાએ ઠાલવ્યો રોષ, 50 લાખ અને ફ્લેટની માગ કરી જમાઈનું ઘર સળગાવ્યુ
મહત્વનું છે કે 6 મહિના પહેલા એનિમેશન ડિપાર્ટમેન્ટનું રિનોવેશન થયું, ત્યારે આ વિભાગના 17 જૂના AC કાઢી લેવાયા હતા અને રિનોવેશન દરમિયાન તે તમામ સ્ટોર રૂમમાં મુકાયા હતા, પરંતુ આ 17માંથી એકપણ AC હવે સ્ટોરરૂમમાં નથી. જેને લઈ NSUIના વિરોધ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે AC ગુમ થવા મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. જો ગાયબ ACની માહિતી નહીં મળે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. જોકે એસ્ટેટ વિભાગના કેટલાંક કર્મચારી શંકાના ઘેરામાં છે.