Surat: કોરોના સમયમાં લોકોની જીંદગી બનેલા વેન્ટીલેટર ધૂળ ખાતા થઈ ગયા, સિવિલ હોસ્પીટલ તંત્રનો રોજ સફાઈનો દાવો, જાણો સચ્ચાઈ
Surat: કોરોનાકાળ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલને પીએમ કેરમાંથી આપવામાં આવેલા 100થી વધુ વેન્ટીલેટર ધૂળ ખાઈ રહ્યા છે. આ અંગે વિવાદ થતા સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ બચાવની મુદ્રામાં આવી ગયા છે અને લુલો બચાવ કરી રહ્યા છે કે તમામ વેન્ટીલેટરની દર મહિને સફાઈ થાય છે અને તમામ મશીનો ચાલુ કન્ડિશનમાં છે.
કોરોના કાળ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવેલા પીએમ કેરમાંથી આપવામાં આવેલા 100થી વધુ વેન્ટિલેટર(Ventilator) નધળીયાત અને ધૂળ ખાઈ રહ્યા છે. આ અંગે સુરત સિવિલના સુપ્રિટેન્ડન્ટે બચાવ કરતા કહ્યું હતું કે થોડા સમય અંતરે વેન્ટિલેટરની સાફ-સફાઈ કરવામાં આવે છે હાલ આ મામલે તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વેન્ટિલેટર પર પ્લાસ્ટિક પણ રાખવામાં આવ્યું નથી
સુરત સિવિલમાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે પીએમ કેરમાંથી ફાળવવામાં આવેલાં 100થી વધુ વેન્ટિલેટર ભંગારની જેમ મૂકી દેવાયાં છે. વેન્ટિલેટર જે રૂમમાં રાખવામાં આવ્યા છે તેના દરવાજાને પણ બંધ કરવાની તસ્દી લેવામાં આવી નથી જ્યારે વેન્ટિલેટર પર પ્લાસ્ટિક પણ રાખવામાં આવ્યું નથી. વેન્ટીલેટર રખાયેલા રૂમમાં ચારે તરફ ધૂળ બાજેલી દેખાઈ રહી છે. સાથે જ વેન્ટિલેટર પણ ધૂળનો જમાવડો થઈ ગયો છે.
સમયાંતરે સાફ-સફાઈ કરવામાં આવે છે
સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે હાલ કોવિડ નથી અને કોરોનાના પેશન્ટ પણ આવતા નથી તો જે વેન્ટિલેટર ઉપયોગમાં નથી તેવા વેન્ટિલેટરને એક રૂમમાં રાખવામાં આવ્યા છે. જેને સમયાંતરે સાફ-સફાઈ કરવામાં આવે છે. તમામ વેન્ટિલેટરને વ્યવસ્થિત પેક કરી દેવાની પણ સૂચના અપાઈ છે અને તપાસ બાદ બેદરકારી દાખવનારા સામે પગલા પણ લેવાશે.
પ્લાસ્ટિક પણ લગાવીએ તો ઘણી વાર એ પણ ઉડી જાય
વધુમાં જણાવ્યું હતું કે, દર મહિને આ વેન્ટિલેટરને સાફ કરવામાં આવે છે. બાયોમેડિકલ વિભાગ દ્વારા ખરાબ થયા હોય તો ચેક પણ કરે છે. વેન્ટિલેટર યુઝમાં ન હોવાથી ધૂળ લાગી ગઈ છે. હાલ પણ વેન્ટિલેટર ની જ્યાં માંગ છે ત્યાં આપીએ છીએ. હાલ પણ આ તમામ વેન્ટિલેટરની જરૂર પડે તો તેનો યુઝ કરી શકીએ છીએ. વેન્ટિલેટર યુઝ વિના પાડયા રહે એટલે ધૂળ તો જામી જ જાય. પ્લાસ્ટિક પણ લગાવીએ તો ઘણી વાર એ પણ ઉડી જાય છે.
મેડિકલ બેડ પણ ભંગારની સ્થિતિમાં
સુરત સિવિલ હોસ્પિટલમાં માત્ર વેન્ટિલેટર જ અસ્તિત્વની લડાઇ લડી રહ્યા હોય એવુ નથી. TV9ની ટીમે જ્યારે અન્ય વોર્ડની મુલાકાત લીધી. તો વધુ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. અહીં રહેલા મેડિકલ ઇલેકટ્રોનિક બેડ ICU સહિત ઇમરજન્સી વોર્ડમાં ઉપયોગમાં લેવાતા હોય છે, જો કે તે પણ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ મેડિકલ બેડ જાણે ભંગાર હોય તેમ એક રૂમમાં આડેધડ ખડકી દેવાયા છે. દર્દીઓને આરામ આપતા આ બેડ જાણે કે ફરી ઉપયોગમાં જ ન લેવાના હોય તેમ ધૂળ ખાતા કરી દેવાયા છે. ન તો કોઇ સાચવણી, ન કોઇ માવજત કે ન કોઇ વ્યવસ્થા. જો જીવ બચાવતા સાધનોની આવી હાલત હોય તો સમજી શકાય કે છે સરકારી હોસ્પિટલમાં કેટલી હદે લાલિયાવાડી ચાલતી હશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…