Gujarati Video: રાજકોટમાં સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાતના 6 મહિના બાદ પણ કામગીરી શરૂ નથી કરાઈ
Rajkot: રાજકોટમાં 6 મહિના પહેલા સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાત કરાઈ હતી. જો કે 6 મહિના બાદ પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી. રાજકોટમાં ઓવરબ્રિજની ડિઝાઇનને લઇ રેલવે અને કોર્પોરેશન વચ્ચે અસમંજસની સ્થિતિ છે અને બ્રિજના કામમાં વિલંબ થઈ રહ્યો છે.
રાજકોટના જામનગર રોડ પર જર્જરીત સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાતને 6 મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજી કામગીરી શરૂ કરવામાં આવી નથી. રેલવે અને કોર્પોરેશન વચ્ચે ડિઝાઇનની અસમંજસને લઈને ઓવરબ્રિજનું કામ વિલંબે ચઢ્યું છે. ત્યારે આ જર્જરીત ઓવરબ્રિજનું કામ ક્યારે શરૂ થશે ? તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.
કોર્પોરેશને 44 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવાની કાગળ પર જાહેરાત તો કરી દીધી છે પણ જાહેરાતને 6 મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજી કામ શરૂ કરાયું નથી. રેલવે અને કોર્પોરેશન વચ્ચે બ્રિજની ડિઝાઇનને લઈને અસમંજસ હતી. મનપાએ પહેલા રજૂ કરાયેલી ડિઝાઇનમાં કેટલાક ફેરફાર સૂચવ્યા હતા. જે ફેરફાર સાથે ફરી એકવાર મનપાએ લંબાઈ અને ઉંચાઈમાં ઘટાડો કરીને રેલવેને ડિઝાઇન રજૂ કરી છે. આ ડિઝાઇન ચેક કરવાની ફી પેટે રેલવેએ કોર્પોરેશન પાસે 12 લાખ જેટલી ફી માગી છે.
તો બીજી તરફ કોર્પોરેશનના સીટી એન્જિનિયરનું કહેવું છે કે આગામી દિવસોમાં રેલવેમાં ડિઝાઇન રજૂ કરી મંજૂરી લેવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ કોર્પોરેશન ઓવરબ્રિજના કામ અંગે ટેન્ડર બહાર પાડશે અને ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં બ્રિજનું કામ શરૂ થશે.
આ પણ વાંચો: Gujarati Video : રાજકોટના નાનામવા વિસ્તારની 6 સોસાયટીમાં પાણીનો પોકાર, મહિલાઓએ ઠાલવ્યો આક્રોશ
જર્જરીત પુલોની યાદી જાહેર કરી તેમાં સાંઢીયા પુલનો પણ સમાવેશ
હાલમાં જ રાજ્ય સરકારે જર્જરીત પુલોની યાદી જાહેર કરી તેમાં સાંઢીયા પુલનો પણ સમાવેશ છે. બ્રિજનું કામ ક્યારે શરૂ થશે તે અંગે મનપાના સિટી ઇજનેરને પૂછતા તેઓ પણ હજુ ચોક્કસ સમય કહી નથી શક્યા કે ક્યારે બ્રિજનું કામ શરૂ થશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી બ્રિજનું કામ ચાલુ નહિ થાય ત્યાં સુધી લોકો આ અતિ જર્જરીત સાંઢીયા પુલ પરથી પસાર થતા રહેશે.