Gujarati Video: ઓનલાઇન ઠગબાજોથી સાવધાન! ધોરાજીની મહિલા સાથે પ્રસૂતા સહાયના નામે છેતરપિંડી
Rajkot: ધોરાજીમાં પ્રસુતા સહાયના નામે મહિલા સાથે છેતરપિંડી થઈ છે. ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલાને સિઝેરિયન ઓપરેશન બાદ સરકારી સહાયના 5000 રૂપિયા એકાઉન્ટમાં જમા થાય એ પહેલા જ સાયબર ફ્રોડે ઉપાડી લીધા.
સરકારી સહાયના નામે તમારા પર ફોન આવે તો રહેજો સાવધાન. કારણ કે ધોરાજીમાં એક મહિલા સાથે આવી જ છેતરપિંડી થઈ છે. ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલી એક પ્રસુતાના સિઝેરિયન ઓપરેશન બાદ સરકારમાંથી રૂપિયા. 5,000ની સહાય એના અકાઉન્ટમાં જમા થાય એ પહેલા સાયબર ફ્રોડ દ્વારા કેટલાક શખ્સોએ ખાતામાંથી રૂપિયા 4885 ઉપાડી લીધા.
આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધોરાજીના બહારપૂરા ખાતે રહેતા અનિલ વિંઝુડાના પત્નીનું સિઝેરિયન ઓપરેશન ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું .જેના ભાગ રૂપે તેમણે પ્રસૂતા સહાયના 5 હજાર રૂપિયા મેળવવા ઓનલાઈન ફોર્મ ભર્યુ હતુ. જો કે કેટલાક ઠગોએ તેમને હેલ્થ અધિકારી બોલુ છું તેમ કહીને તમામ વિગતો મેળવી તેમના બેંક એકાઉન્ટમાંથી 4885 રૂપિયા ઉપાડી લીધી.
ઠગો એટલા શાતિર હતા કે આ ઠગાઇમાં તેમણે આંગણવાડી વર્કર અને આશા વર્કરને પણ વિશ્વાસમાં લઇ લીધા હતા. અને આંગણવાડી કાર્યકર અને આશા વર્કરને કોન્ફરન્સમાં લઇ મહિલાને કો ઓપરેટ કરવા અને તમામ વિગતો આપવા સમજાવ્યા હતા. જે બાદ મહિલાને વિશ્વાસ આવી જતા તેમણે બેંક એકાઉન્ટને લગતી તમામ વિગતો આપી દીધી હતી. અને બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે તેઓ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે.
તમે પણ જો સરકારી સહાય માટે કોઈ ફોર્મ ભર્યા હોય અને આ રીતે કોઈ વ્યક્તિ અધિકારી કે સરકારી કર્મચારી બોલુ છું તેમ કહીને તમને ફોન કરે તો સાવધાન રહેજો અને કોઇપણ વ્યક્તિને તમારા બેંક એકાઉન્ટની વિગત આપે તો ક્યારેય ન આપતા.