ગુજરાતમાં આગામી બે દિવસ ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળશે. તારીખ 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓનાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમા ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ માવઠાની શક્યતા વર્તાઈ રહી છે. આ તરફ માવઠાની આગાહીને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે. હાલ કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ માવઠુ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
આ વાતાવરણમાં અચાનક પલટાને કારણે રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે. રાજ્યવાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. રાજ્યનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઓછુ થાય તેવી શક્યતા છે. વારંવાર સર્જાતા પશ્ચિમી વિક્ષેપને કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.