અમરેલીના સાવરકુંડલા પંથકમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું જેના કારણે મેરિયાણા, ગોરડકા, ખડસલી, વીજપડી,લુવારા, ગાધકડા, લીખાળા ભમ્મર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ચોમાસાના પ્રારંભે પ્રથમ દિવસે આવા તોફાની વરસાદે લોકોને ચિંતામાં મુકી રહ્યો છે. મેરિયાણાની ફૂલઝર નદીમાં પૂર આવ્યુ છે. નદી ભયજનક સ્તરે ગાંડીતૂર બનીને વહી રહી છે. જાણે બધુ જ તાણી જવા આતૂર હોય તેમ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.
આ તરફ અમરેલીમાં ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં 25 ઘેટાં તણાયા હતા. જાણે મેઘરાજા પહેલીવારમાં જ બધુ તાણી જવા આવ્યા હોય તેમ તેઓ વરસી રહ્યા છે. પાણીમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ઘેટાંઓને સ્થાનિકોએ દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 ઘેટાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. માલઘારી પરિવારના ઘેટાં નદીમાં તણાતા પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છે. સાથે જ અમરેલીની જોલાપુરી નદીમાં પણ પૂરની સ્થિતિ ઉભી થઈ છે.
અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદના કારણે બર્બટાણા ગામની ઘિયાલ નદીમાં પાણીનો પ્રવાહ ગાંડોતૂર થઈ વહી રહ્યો છે. નદીનો પ્રવાહ તો બધું જ તાણી જવા આતૂર હોય તેમ વહી રહ્યો છે. નદીનો ધસમસતો પાણી જોઈ આસપાસ રહેલા ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા હતા. બીજી તરફ પ્રથમ વરસાદમાં જ ઘિયાલ નદી જીવંત થતા ખેડૂતો ખુશ થઈ ગયા હતા. રાજુલાના વિક્ટર ગામમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા.
આ તરફ સાવરકુંડલામાં અત્યંત ભારે વરસાદના કારણે નાવલી નદી ઉપર આવેલ ચેકડેમ છલકાયો છે. નાવલી નદીમાં પૂર આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.સાવરકુંડલાના ગાધકડા ગામની સ્થાનિક નદીના દ્રશ્યો ખરેખર ડરામણા છે ધસમસતા પાણીનો પ્રવાહ ભયજનક સ્તરે વહી રહ્યો છે.