Gujarat Rain Video: ગુજરાતના 82 તાલુકાઓ વરસાદ વરસ્યો, 11 તાલુકાઓમાં 1 ઈંચ, સૌથી વધારે ઘોઘામાં 3 ઈંચ નોંધાયો
Gujarat Rainfall Report: રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ રવિવારે નોંધાયો હતો. જેમાં 11 તાલુકાઓમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.
રવિવારનો દિવસ રાજ્યમાં વરસાદી રહ્યો હતો. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં 82 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં 11 તાલુકાઓમાં 1 ઈંચ કે તેથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ ઘોઘા તાલુકામાં નોંધાયો હતો. ભાવનગર જિલ્લાના ઘોઘામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઘોઘામાં વરસાદને લઈ રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા. ઘોઘા અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
બોટાદ જિલ્લાના બરવાળામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના માંગરોળ અને અમરેલીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહ્યા હતા. સૌરાષ્ટ્રના ઉંડ-1 જળાશયમાં પાણીની આવક નોંધાઈ હતી. ઉંડ ડેમમાં 2793 ક્યુસેક પાણીની આવક થઈ હતી. સરદાર સરોવરમાં 22 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
આ પણ વાંચોઃ Rain in Aravalli: અરવલ્લીમાં ધોધમાર વરસાદના ઝાપટા વરસ્યા, શામળાજી-મોડાસા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા
અરવલ્લીના મોડાસા, અમરેલીના બાબરા, રાજકોટના ગોંડલ, રાજકોટ શહેર, પડધરી, કોટડા સાંગાણી તાલુકાઓમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કુકાવાવ વાડીયા, અંકલેશ્વર, સુત્રાપાડા, જામનગર શહેર, લાઠી, કુતિયાણા વિસ્તારમાં પોણો-પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.