તંત્ર Alert! ગુજરાતના જળાશયોમાં નવા નીરની ‘રેલમછેલ’, નર્મદા ડેમની સપાટી વધતાં ‘કેનાલ’ ચાલુ કરાઈ – જુઓ Video
રાજ્યમાં સતત થઈ રહેલી પાણીની આવકને કારણે નદીઓ અને જળાશયોની સપાટીમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આ નવી આવકના પગલે વહીવટી તંત્ર દ્વારા રાજ્યના કેટલાક મુખ્ય ડેમ માટે એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, જેથી આસપાસના વિસ્તારોને સાવચેત કરી શકાય.
રાજ્યમાં પાણીની સતત આવકને પગલે જળાશયોની સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જળાશયોમાં થઈ રહેલી પાણીની આ નવી આવકને કારણે હાલમાં 7 જળાશયોમાં વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે રાજ્યના બે મુખ્ય જળાશય માટે એલર્ટ જાહેર કરાયું છે.
પ્રશાસન દ્વારા સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ અને મહિસાગરના વણાકબોરી ડેમ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ધોળીધજા ડેમ 92.84 ટકા અને વણાકબોરી ડેમ 91.45 ટકા સુધી ભરાઈ ગયા છે. આ ઉપરાંત, જૂનાગઢના માણાવદરનો બાંટવા-ખારો ડેમ પણ 84.13 ટકા ભરાઈ જતાં હાલ એલર્ટ પર છે, જ્યારે ઉકાઇ ડેમમાં અત્યારે 34 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
બીજી તરફ, કડાણા ડેમની સ્થિતિ જોઈએ તો તેમાં હાલ 46.57 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં અત્યારે 320 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને તેની સામે ડેમમાંથી 2 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.
નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમની જળસપાટી હાલ 126.27 મીટરે પહોંચી ગઈ છે. આ સાથે જ ડેમમાં પાણીનો કુલ જથ્થો 64.11 ટકાએ પહોંચ્યો છે. અત્યારે ડેમમાં 33 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે કેનાલમાં 10 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
