Breaking News : અમદાવાદના ધોળકામાં જળપ્રલય ! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
ધોળકા તાલુકામાં આફતનો વરસાદ વરસ્યા બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં જ 22 ઈંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આફતનો વરસાદ વરસ્યા બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં જ 22 ઈંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. ધોળકાની તમામ સોસાયટીઓમાં પણ છાતી સમા પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે.
ધોળકામાં માત્ર 24 કલાકમાં 22 ઈંચ વરસાદ
મળતી માહિતી મુજબ ધોળકાના કલિકુંડ વિસ્તારમાં કમર સુધી વરસાદી પાણી ભરાઈ જતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાથે લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે શીવપાર્ક, શીવશક્તિ અને રાજધાની સોસાયટીઓમાં ઘરોમાં કમરથી લઈને છાતી સુધી પાણી ઘૂસી જતાં રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘરમાં રહેલો સામાન બગડતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
લોકોના છાતી સુધી ભરાયા પાણી
અસરગ્રસ્ત સોસાયટીના રહીશોએ નગરપાલિકા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમનો આક્ષેપ છે કે વરસાદ બાદ પણ પાણીના નિકાલ અને રાહત કામગીરી પૂરતા પ્રમાણમાં કરવામાં આવી નથી. સ્થાનિકોનો દાવો છે કે ગઈકાલથી અનેક પરિવારોને પૂરતું ભોજન પણ મળ્યું નથી અને તેઓ ભૂખ્યા રહેવાની ફરજ પડી રહી છે.
તાત્કાલિક પાણીના નિકાલની માગ
અસરગ્રસ્ત લોકો હાલ રાહત અને બચાવ કામગીરીની રાહ જોઈ રહ્યા છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલ, જરૂરી ખાદ્યસામગ્રી અને અન્ય આવશ્યક સહાય પહોંચાડવાની માંગ કરી છે.

