જૂનાગઢમાં તંત્રની ઘોર બેદરકારી… ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર, મનપા સામે ઉઠ્યા ગંભીર સવાલો – જુઓ Video
જૂનાગઢના જવાહર રોડ પરથી તંત્રની બેદરકારીના એવા દ્રશ્યો સામે આવ્યા છે, જે ખરેખર ચિંતા ઉપજાવે તેવા છે. અહીં રસ્તાની હાલત એટલી બિસ્માર છે અને ગટરના પાણી એટલી હદે ફરી વળ્યા છે કે, સામાન્ય લોકો માટે ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.
જૂનાગઢ શહેરમાં તંત્રની ઘોર બેદરકારી છતી કરતા દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢ શહેરમાં રસ્તાની બિસ્માર હાલતના લીધે એક દર્દીએ રસ્તા પર જ સારવાર લેવી પડી હતી. જવાહર રોડની ખસ્તા હાલતના કારણે દવાખાના સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જેના પરિણામે ડૉક્ટરે પોતે સ્થળ પર આવીને દર્દીની સારવાર કરવાની ફરજ પડી હતી.
આ વિસ્તારમાં રસ્તો બે ફૂટથી વધુ ખોદી કાઢવામાં આવતા ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. હાલમાં અહીં ગટર, પાણી અને લાઈટનું કામ એકસાથે ચાલુ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકો દ્વારા મનપાના અધિકારીઓને સ્થળ પર બોલાવી રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે મનપાની કામગીરી સામે ઘણા સવાલો ઊભા થયા છે. ગટર, પાણી તેમજ લાઈટનું કામ એક સાથે થવાથી મુશ્કેલી પડી રહી હોવાનું કમિશનરે જણાવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ એજન્સીઓને તાત્કાલિક કામ પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.