રાજ્યમાં કમોસમી વરસાદે ફરી ડેમો ભરાવાની સ્થિતિ સર્જી છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધીના ડેમો પાણીથી છલકાયા. એક તરફ નદીઓ બે કાંઠે વહી રહી છે તો બીજી તરફ ડેમના દરવાજા ખોલતા એલર્ટની સ્થિતિ ઊભી થઈ છે. તો ક્યાંક વરસાદ ખેડૂતો માટે રાહત લાવ્યો છે. તો ક્યાંક ડેમ ઓવરફ્લો થતાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવનગરની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો અમરેલીના દરિયાકાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ ધાતરવડી ડેમના 19 દરવાજા ખોલી દેવામાં આવ્યા. માલણ ડેમના 30 દરવાજા ખુલી જતા ભાવનગર જિલ્લાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર-સોમનાથના શિંગોડા ડેમમાં પણ પાણીની આવક વધતાં ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા. અમરેલીના ખાંભામાં રાયડી ડેમ છલકાતાં નીચાણવાળા ગામોને એલર્ટ અપાયું છે.
તાપીના સોનગઢમાં ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસથી 46 હજાર ક્યુસેક પાણીની આવક થતાં 3 દરવાજા ખોલવા પડ્યા. રાજ્યભરમાં ડેમોની સપાટીમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ડેમ ભરાયા છે ત્યાં પાણીનો સંગ્રહ આવતા વર્ષ માટે આશાજનક ગણાય છે. કુલ મળી વરસાદની આ કમોસમી એન્ટ્રી અનેક વિસ્તારો માટે આશિર્વાદ બની, તો કેટલીક જગ્યાએ ચિંતાનો પણ વિષય બની છે.