ગુજારાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ પક્ષો ગુજરાતની ગાદી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે અને મતદારોને રિઝવવા તમામ તાકાત લગાવી રહી છે. ત્યારે આવતીકાલે કોંગ્રેસ તેનો મેનિફેસ્ટો જાહેર કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. કોંગ્રેસ આ ચૂંટણી ઢંઢેરાની ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી ઘોષણા કરવા જઈ રહી છે.
કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીના 8 વચનો કેન્દ્રસ્થાને હશે, જેમાં ખેડૂતોનું દેવુ માફ કરવુ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવો, 300 યુનિટ વીજળી ફ્રી આપવા સહિતના વાયદા હશે. તેમજ જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ નાબૂદી પણ આ ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાશે.
ગુજરાત ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે તેમની ત્રીજી યાદી પણ જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસ અત્યાર સુધીમાં 95 ઉમેદવારોના નામ જાહેર કરી ચુકી છે. કોંગ્રેસ આજે વધુ સાત ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ઈન્દ્રનિલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ આમ આદમી પાર્ટી છોડી ફરી કોંગ્રેસમાં આવનાર ઈન્દ્રનિલ રાજ્યગુરુ પહેલા કોંગ્રેસમાં હતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી જ લડ્યા હતા. આમ આદમી પાર્ટીમાંથી તેમને સીએમને ચહેરો જાહેર ન કરાતા તેમની નારાજગી સામે આવી હતી અને તેઓ આપ છોડી ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.