વૈષ્ણોદેવીથી પરત આવતા ખાટુશ્યામ દર્શને જઈ રહેલ ગુજરાતીઓની બસને અકસ્માત, 3ના મોત, 28 ઈજાગ્રસ્ત

| Edited By: | Updated on: Dec 10, 2025 | 10:37 AM

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી 50 યાત્રાળુઓને લઈ જતી બસને ગઈકાલ મંગળવારની મોડીરાત્રે રાજસ્થાનના જયપુર-બિકાનેર હાઇવે પર સીકરમાં એક ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો. ગુજરાતી યાત્રાળુઓને લઈને જતી બસ ખાટુશ્યામ જઈ રહી હતી. અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા છે જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી સાતની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.

રાજસ્થાનમાં 50 ગુજરાતી યાત્રાળુઓને લઈને જઈ રહેલ બસ જયપુર-બિકાનેર હાઇવે પર સીકરમાં ટ્ર્ક સાથે ધડાકાભારે અથડાઈ હતી. મોડીરાત્રે થયેલા આ ગંભીર અકસ્માતમાં ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 28 યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં સવાર તમામ યાત્રાળુઓ વૈષ્ણોદેવીથી પરત ફરી રહ્યા હતા અને ખાટુશ્યામના દર્શન કરવા જઈ રહ્યા હતા.

રાજસ્થાનમાં જયપુર-બિકાનેર હાઇવે નજીક ગઈકાલ મંગળવારે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. ફતેહપુર નજીક બસ એક ટ્રક સાથે ધડાકાભેર બસ અથડાઈ હતી. બસ અને ટ્ર્કની ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

રાજસ્થાન પોલીસે આપી જાણકારી

ફતેહપુરના એસએચઓ મહેન્દ્ર કુમારે. અકસ્માતને લગતી માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાનગી લકઝરી બસ એક સ્લીપર પ્રકારની બસ હતી. જેમાં આશરે 50 મુસાફરો હતા. આ તમામ મુસાફરો ગુજરાતના વલસાડ જિલ્લાની આસપાસના હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત પૈકી સાત લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

અકસ્માત કેવી રીતે થયો?

બસમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના વલસાડના છે. તેઓ જમ્મુ કાશ્મીર ખાતે માતા વૈષ્ણોદેવીના દર્શન કરીને ગુજરાત પરત ફી રહ્યાં હતા. રાજસ્થાનમાં ખાટુ શ્યામના દર્શન કરવાનું નક્કી કર્યું હતું. બસ બિકાનેરથી જયપુર જઈ રહી હતી ત્યારે ઝુનઝુનુથી આવી રહેલી ટ્રક બિકાનેર નજીક બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી

ખાનગી લકઝરી બસ અને ટ્ર્ક વચ્ચે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે કેસ નોંધ્યો છે અને ઘટનાની તપાસ કરી રહી છે.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.