આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના કુલ 16.59 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10ના 9.57 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તો આ તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 1.36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તો સાથે જ ધોરણ 10માં 101 અને ધોરણ 12 માં 56 વિદ્યાર્થીઓ ચાર અલગ-અલગ જેલમાંથી પરીક્ષા આપશે.
આપને જણાવી દઈએ કે, રાજ્યમાં 139 ઝોનમાં કુલ 1623 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.જેના માટે 5 હજાર 141 બિલ્ડિંગમાં કુલ 56 હજાર 633 બ્લોકમાં પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ છે.તો 66 સેન્સિટીવ કેન્દ્રો પર પેરા મિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.તમામ કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ,સુપરવાઈઝર કે શાળાનો સ્ટાફ મોબાઈલ સાથે નહીં રાખી શકે.
પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને આઇ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને તેના સિવાયના કોઇ વ્યક્તિ શાળામાં પ્રવેશ ન કરે તેની પણ તકેદારી શાળા સંચાલકો અને આચાર્યએ રાખવાની રહેશે. પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે અને ગરમીના સમયમાં વર્ગ ખંડમાં જ વિદ્યાર્થીઓને પીવાનું પાણી આપવામાં આવશે.
Published On - 7:43 am, Tue, 14 March 23