સુરેન્દ્રનગરની પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી, શાળા છૂટવાના સમયે ભૂલકાઓને ક્લાસરૂમમાં પુરી શિક્ષકો જતા રહ્યા- વીડિયો
સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. જેમા વિદ્યાર્થીઓ બેઠા હતા તે ક્લાસરૂમને શિક્ષકો તાળી મારી જતા રહ્યા હતા અને પાછળથી બાળકોના રડી રડીને ગળા સુકાઈ ગયા હતા. ભૂલકાઓના રડવાના અવાજથી ગામલોકો દોડી આવ્યા હતા.
સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોએ બેદરકારીની હદ વટાવી છે. નાના ભૂલકાઓ ક્લાસરૂમમાં બેઠા હતા અને બપોરના છુટવાના સમયે શિક્ષકો શાળાને તાળુ મારીને જતા રહ્યા હતા. વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં રડી રહ્યા હતા અને શિક્ષક તાળુ મારીને નીકળી ગયા હતા.
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર સવારની પાળીની આ શાળા હતી અને તમામ બાળકો ધોરણ 1 અને 2 ના હતા. બપોરના 12 વાગ્યા આસપાસ છૂટવાના સમયે શિક્ષક ક્લાસરૂમને તાળુ મારીને નીકળી ગયા હતા. જો કે છુટવાનો સમય હોવા છતા બાળકો ઘરે ન પહોંચતા વાલીઓ હાંફળા ફાંફળા થઈ શાળાએ દોડી આવ્યા હતા અને શાળાની અંદરથી બાળકોના રડવાનો અવાજ આવતો હતો. ત્યારે બાળકો અંદર પુરાયા હોય તેવુ જણાતા ગામલોકોએ ભેગા થઈને શાળાનુ તાળુ તોડ્યુ હતુ અને બાળકોને બહાર લાવવામા આવ્યા હતા. પુરાયેલા બાળકોમાં કેટલાક બેભાન જેવી હાલતમાં હતા અને સંપૂર્ણપણે ડરેલી હાલતમાં હતા. તેમના કુમળા માનસ પર આ ઘટનાની ઘણી વિપરીત અસર જોવા મળી છે.
આ પણ વાંચો: મરાઠા અનામતથી OBC ક્વોટા પર શું પડશે અસર ? વાંચો ઈનસાઈડ સ્ટોરી
બાળકોને પુરીને શિક્ષકો જતા રહેતા વાલીઓ પણ રોષે ભરાયા હતા અને શિક્ષકોની આ પ્રકારની ઘોર બેદરકારી સામે પગલા ભરવાની માગ કરવામાં આવી હતી. શિક્ષકોએ સમગ્ર ઘટના પર લુલો બચાવ કર્યો કે વિદ્યાર્થીઓની હાજરીની તેમને જાણ જ ન હતી. ત્યારે સવાલ એ પણ છે કે આટલી મોટી સંખ્યામાં ભૂલકાઓ શાળામાં હોય, આ ભૂલકાઓ કલબલ કરી રહ્યા હોય અને શું શિક્ષકોને તેની જાણ ન હોય તેવુ બને ? હવે શિક્ષણવિભાગ આ બેદરકાર શિક્ષકો સામે શું પગલા લેશે તે પણ જોવુ રહ્યુ.