ગીર સોમનાથમાં માવઠાથી પ્રભાવિત વિસ્તારની મુલાકાતે મંત્રી મોઢવાડિયા, નુકસાનીની કરી સમીક્ષા- Video

ગીર સોમનાથમાં માવઠાથી પ્રભાવિત વિસ્તારની મુલાકાતે મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા પહોંચ્યા હતા. બંને મંત્રીઓએ પાક નુકસાનીની સમીક્ષા કરી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

| Edited By: | Updated on: Oct 28, 2025 | 3:02 PM

 

ગીર સોમનાથમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા એ કોડીનાર સહિતના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી, ખેતરો અને મગફળીના પાકને થયેલી તારાજીનું નિરીક્ષણ કર્યું. તેમણે ખેડૂતો સાથે સંવાદ કરી તેમની વેદના સાંભળી અને નુકસાનીની સમીક્ષા કરી. ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ માટે સહાય પેકેજની આશા રાખી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ એટલો વિનાશ વેર્યો છે કે ત્રણ દિવસથી ખેડૂતો ખેતરે જોવા પણ જઈ શક્યા નથી. ખેડૂતોનું કહેવુ છે કે મગફળી, અડદ તો ગઈ પણ માલઢોરની નીરણનો પણ સોથ બોલી ગયો છે. ખેડૂતે જણાવ્યુ કે જે પ્રકારે હાલ રસ્તાઓ પર પાણી ભરેલા છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે ખેતરોની શું સ્થિતિ હશે.

માવઠાએ ગીર સોમનાથને ઘમરોળ્યુ છે. મોટાભાગે મગફળીના પાકને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોએ પરસેવો પાડીને તનતોડ મહેનત કરીને લીધેલ મગફળીનો તૈયાર પાક માવઠામાં ધોવાઈ ગયો છે. ત્યારે ખેડૂતોને મોંઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયા જેવી સ્થિતિ થઈ છે. આ નુકસાનીમાંથી બેઠા થવા માટે ખેડૂતો સરકાર કોઈ ટેકો કરે તેવી આશા રાખી રહ્યા છે.