ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઉઠી માગ, કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ CM ને લખ્યો પત્ર
રાજ્ય સરકાર દ્વારા ઓછા વરસાદને પગલે જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે અને આ જિલ્લાના ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. 8500 ની સહાય જાહેર કરી છે. ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીરસોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે.
રાજ્યમાં ઓછા વરસાદને પગલે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતો પાસે ના તો પાક લેવા માટે પાણી બચ્યુ છે ના તો માલઢોરને પીવડાવવા માટેનું પાણી છે. આવી સ્થિતિમાં ખેડૂતો તેમના બળદોને આશ્રમમાં મુકવા મજબુર બન્યા છે. રાજ્યમાં ઓછા વરસાદને પગલે સરકાર ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. જેમા જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છનો સમાવેશ થાય છે. ત્યારે ગીર સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગ કરી છે.
ચુડાસમાએ CMને આ અંગે પત્ર લખી માગ કરી છે. તેમની રજૂઆત છે કે અપૂરતા વરસાદથી પશુપાલકો અને ખેડૂતો અત્યંત કફોડી સ્થિતિમાં મુકાયા છે. ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન ગયુ છે. બાગાયતી પાકોમાં પણ પાણીની અછતના કારણે નુકસાન થઈ રહ્યુ છે. ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માગ કરાઈ છે. પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવા માગ કરી છે.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યપ્રધાન અને કૃષિપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી કે ઓછા વરસાદના કારણે ખેડૂતો અને પશુપાલકો ગંભીર સ્થિતિમાં છે, બિયારણના રૂપિયા પણ નીકળે તેવી સ્થિતિ નથી, ધારાસભ્યે કૃષિ લોનનું વ્યાજ માફ કરી હપ્તા મુલતવી રાખવા રજૂઆત કરી સાથે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા માગણી કરવામાં આવી.
