Gir Somnath : પદ્મિની એકાદશી પર્વ પર શ્રી સોમનાથ ટ્રસ્ટે શ્રી ગોલોકધામ તીર્થ ખાતે ધ્વજા પૂજા, પાદુકા અભિષેક કરાયા, જુઓ Video

|

Jul 29, 2023 | 6:12 PM

શ્રી ગોલોક ધામ ખાતે પોતાના અંતિમ ચરણ પૃથ્વી પર મૂકી શ્રીકૃષ્ણએ સ્વધામ પ્રસ્થાન કર્યું હતું.શ્રી કૃષ્ણએ જ્યાંથી વૈકુંઠગમન કર્યું તે પવિત્ર સ્થાન પર બિરાજમાન શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકા નું વેદોક્ત મંત્રો સાથે પવિત્ર દ્રવ્યોથી પૂજન કરવામાં આવ્યું હતું.

Gir Somnath :પુરૂષોત્તમ માસમાં આજે પદ્મિની એકાદશી પર્વ( Ekadasi)  પર શ્રી સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust)દ્વારા શ્રી ગોલોકધામ તીર્થ ખાતે ધ્વજા પૂજા, પાદુકા અભિષેક કરાયા છે.શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર અને સચિવ યોગેન્દ્ર દેસાઈ એ ધ્વજા પૂજા અને પાદુકા પૂજન કર્યું હતૂ.શ્રી કૃષ્ણની સ્વધામગમન ભૂમિ પર ભક્તો શ્રીહરિ નામમાં તરબોળ થયા હતા.

સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ પણ જોડાયા હતા

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોક ધામ ખાતે અધિક શ્રાવણ શુક્લ એકાદશી એટલે કે પદ્મિની અથવા કમલા એકાદશીના પર્વ પર શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના અને મહા પૂજન કરવામાં આવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટ જેડી પરમાર અને સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા શ્રી ગીતામંદિર ખાતે ધ્વજા પૂજા અને કળશ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીકૃષ્ણના સાનિધ્યમાં પૂજનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ પણ જોડાયા હતા.

પારધીના બાણ દ્વારા  માનવ લીલા સમાપ્ત કરીને કર્મ ફળથી સ્વયં ભગવાન પણ ઉપર નથી તે સંદેશ આપ્યો

ગોકુળમાં બાળપણ, મથુરામાં યૌવન, દ્વારકામાં રાજવૈભવ અને કુરુક્ષેત્રમાં જ્ઞાન બોધ આપ્યા બાદ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપવા અને પોતાની અંતિમ લીલા થી કર્મ ફળ નો યુગયુગાંતરનો સંદેશ આપવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ ભૂમિ પસંદ કરી હતી. આ ભૂમિ પર રામ જન્મમાં વાનર રાજ વાલીને માર્યા બાદ કર્મ નું ફળ ચૂકવવા વાલી ના પુનઃ અવતાર જરા પારધીના બાણ દ્વારા પોતાની માનવ લીલા સમાપ્ત કરીને કર્મ ફળથી સ્વયં ભગવાન પણ ઉપર નથી તે સંદેશ આપ્યો હતો.

શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકા નું વેદોક્ત મંત્રો સાથે પવિત્ર દ્રવ્યોથી પૂજન કરવામાં આવ્યું

શ્રી ગોલોક ધામ ખાતે પોતાના અંતિમ ચરણ પૃથ્વી પર મૂકી શ્રીકૃષ્ણએ સ્વધામ પ્રસ્થાન કર્યું હતું.શ્રી કૃષ્ણએ જ્યાંથી વૈકુંઠગમન કર્યું તે પવિત્ર સ્થાન પર બિરાજમાન શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકા નું વેદોક્ત મંત્રો સાથે પવિત્ર દ્રવ્યોથી પૂજન કરવામાં આવ્યું હતું. જગતગુરુ શ્રીકૃષ્ણ સમગ્ર વિશ્વને કલ્યાણકારી વિચારો આપે અને વિશ્વ શાંતિનો આશીર્વાદ આપે તેવી “સર્વે ભવન્તુ સુખીન:” ની ભાવનાથી પ્રાર્થના કરવામાં આવી હતી.

(With Input , Yogesh Joshi, Gir Somnath) 

Published On - 6:10 pm, Sat, 29 July 23

Next Video