Gujarati Video: અમદાવાદમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા તબીબ દંપતી સકંજામાં, સોનોગ્રાફી અને અલ્ટ્રા સાઉન્ડ મશીન પોલીસે સીલ કર્યા
અમદાવાદમાં (Ahmedabad) ફરી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થવાની કામગીરીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા તબીબ દંપતી સકંજામાં આવ્યાં છે.
ગર્ભ પરીક્ષણ કરવુ એ ગેરકાયદેસર ગણવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) ફરી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થવાની કામગીરીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ (Gender determination test) કરતા તબીબ દંપતી સકંજામાં આવ્યા છે. ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી શાહને પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે જ પોલીસે બંને તબીબની હોસ્પિટલના સોનોગ્રાફી અને અલ્ટ્રા સાઉન્ડ મશીનને સીલ કર્યા છે.
જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં થતા લિંગભેદના પરીક્ષણો અટકાવી ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના સૂત્રને સાકાર કરવા માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદમાં બોડકદેવમાં આવેલી વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં લિંગ પરીક્ષણ થતું હોવાની આશંકાના આધારે રેડ પાડવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે બોડકદેવ અને સોલામાં આવેલી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેથી આરોગ્ય વિભાગે દરોડા પાડ્યાં હતા. તપાસ દરમિયાન બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું. તો સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં પણ ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યું હતું. જેથી પોલીસે બંને હોસ્પિટલમાંથી સોનાગ્રાફી અને અલ્ટ્રા સાઉન્ડ મશીન સીલ કર્યા છે.
જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીના જણાવ્યા મુજબ, ડૉ. નિકુંજ શાહ અને ડૉ. મીનાક્ષી શાહ છેલ્લા ઘણા સમયથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ડૉ. નિકુંજ તથા ડૉ. મીનાક્ષી દંપત્તિ હોવાની સાથે સાથે બોડકદેવ વિસ્તાર તથા સોલા રોડ પર પોતાના પ્રાઇવેટ ક્લિનિકસ્ પણ ધરાવે છે. આધારભૂત સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર ડોક્ટર નિકુંજ શાહ અને ડૉ. મીનાક્ષી શાહ રૂપિયા 25000ની રકમ લઇને પેશન્ટને લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરી આપતા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
